અમદાવાદ,બુધવાર
શહેરના બોપલમાં રહેતા દંપતિએ પારિવારિક કારણસર ઘરમાં થતા ઝઘડાને કારણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ પતિ પત્ની એપાર્ટમેન્ટની બહાર આવ્યા હતા. આ સમયે તેમનો ૧૧ વર્ષનો પુત્ર માતા પિતાની સ્થિતિને જોઇને લાચાર અવસ્થામાં આસપાસના લોકો પાસે મદદ માંગતો હતો. ત્યારે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે ત્યાંથી પસાર થતા સમયે સમગ્ર સ્થિતિને પામીને કામગીરી કરતા બંનેને બચાવી લીધા હતા. સાથેસાથે પારિવારિક પ્રશ્ન હલ કરાવ્યો હતો.
બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ ભગીરથસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ મંગળવારે રાતના સમયે નવરાત્રીના અનુસંધાનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રાતના બે વાગ્યાના સુમારે બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા સમયે રસ્તા પર એક મહિલા બેઠેલી જોઇ હતી અને તેના ખોળામાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડી હતી. જ્યારે આશરે ૧૧ વર્ષનો એક કિશોર રડીને મદદ માટે આક્રંદ કરી રહ્યો હતો. જેથી સ્થિતિ ગંભીર જણાતા પીઆઇ તાત્કાલિક તેમના ડ્રાઇવર લાલ મહોંમદ હુસૈનભાઇ અને કોન્સ્ટેબલ મંયકભાઇ સાથે દોડી આવ્યા હતા.
મહિલાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે અને તેના પતિએ ઝેરી દવા પીધી છે. મહિલાના પતિને ઝેરની અસર થવા લાગી હોવાથી પોલીસે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના મહિલાના ખોળા રહેલા વ્યક્તિને બેસાડીને તેના મોઢામાં આંગળીઓ નાખીને ઉલ્ટી કરાવી હતી અને મહિલાને પણ ઉલ્ટીઓ કરાવતા પેટમાં રહેલી મોટાભાગની દવા બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ તેમને પોલીસ વાનમાં જ બેસાડીને બોપલ વકીલસાહેબ બ્રીજ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરતા બંનેના જીવ બચાવી શકાયા હતા.
આ અંગે પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હોવાથી ગુસ્સામાં આવીને તેમણે ૧૧ વર્ષના દીકરાની હાજરીમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે બંનેને સમજાવટ કરીને સમાધાન કરાવ્યું હતું. ખાસ કરીને બંનેને તેમના પુત્રના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને સંપથી રહેવા માટે સલાહ આપી હતી.
આ ઉપરાંત, પોલીસ દ્વારા બંનેને મનોચિકિસ્તકની મદદથી કાઉન્સીલીંગ કરવામાં આવશે. આમ, પોલીસની સંતર્કતાને કારણે એક બે વ્યક્તિના જીવ બચાવી લેવાયા હતા અને પરિવાર વિખેરાતો બચ્યો હતો.










