Second Pran Pratishtha at Ram Mandir : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામના બાળસ્વરૂપના વિગ્રહની 22મી જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આ જ મંદિરમાં બીજી વખત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે. ભગવાન રામને રાજા સ્વરૂપે વિરાજમાન કરવામાં આવશે. રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બાળસ્વરૂપની પૂજા થઈ રહી છે, હવે પહેલા માળે ‘રામ દરબાર’ના દર્શન થશે.
રામ દરબારમાં ભગવાન રામની માતા સીતા, હનુમાનજી તથા લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના પણ દર્શન થશે. આગામી પાંચમી જૂને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં તો દર્શન ચાલુ જ રહેશે. જેથી ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તથા સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. રામ મંદિરની આસપાસ અન્ય મંદિરોના પણ નિર્માણ કરવામાં આવ્યા છે, એવામાં પાંચમી જૂને સાત મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. રામ મંદિરના સમગ્ર પરિસરમાં ભગવાન ભોળાનાથ, ગણેશજી, મહાબલી હનુમાન, સૂર્ય દેવ, મા ભગવતી, અન્નપૂર્ણા માતાજીના મંદિરની સ્થાપના કરશે.
આ વખતે અયોધ્યાના જ પ્રખ્યાત વિદ્વાનોએ પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત કાઢ્યું છે. પાંચમી જૂને ગંગા દશેરા પણ છે, આ જ દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી અને આ જ દિવસે રામેશ્વરમની સ્થાપના થઈ હતી.
પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની શરૂઆત બીજી જૂને થશે જેમાં સરયૂ નદીથી કળશ યાત્રા યોજાશે. પાંચમી જૂના પૂજા, ભોગ અને આરતી સહિતના અનુષ્ઠાન બાદ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું સમાપન થશે. સવારે 11.25થી 11.40 વાગ્યા સુધીના અભિજીત મુહૂર્ત દરમિયાન રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે.