વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવ પહેલાં પોલીસ અને ગણેશોત્સવના આયોજકો સાથે મીટિંગનો દોર ચાલી રહ્યો છે.જે દરમિયાન આયોજકોને મહત્વની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટા પંડાલોને કારણે ટ્રાફિકની અવ્યવસ્થા ના થાય તે માટે પોલીસે આયોજકોને તકેદારી રાખવા અને સ્વયંસેવકોને રાખવા અપીલ કરી છે.આ ઉપરાંત પંડાલોમાં દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા પણ જાળવવાની રહેશે અને એન્ટ્રી તેમજ એક્ઝિટ ની જગ્યા રાખવી પડશે.
ડીજે માટે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને તેની મંજૂરી કરવા સૂચના આપી છે.જ્યારે ચાર દરવાજા વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવ્યો છે તેને મંડળોએ સ્વીકારી લીધો છે.
પોલીસ કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓને ગણેશ મંડળોના આયોજકો સાથે સંકલન કરી મીટિંગ કરવા સૂચના આપી છે.જેથી પોલીસ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે ફૂલ-હારના નિકાલ, પર્યાવરણની જાળવણી જેવા મુદ્દે વ્યવસ્થા રાખવા કહ્યું છે.આ જ રીતે શ્રીજીની સવારીઓના આગમન અને વિસર્જનના રૃટ માં કોઇ ફેરફાર નહિ કરવા સૂચના આપી છે.
ગણેશોત્સવમાં શ્રેષ્ઠ પંડાલો માટે રૃ.5, 3 અને 1.50 લાખના ઇનામો
ગણેશોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂર,દેશભક્તિ અને સ્વદેશી જેવી થીમને આધારિત શ્રેષ્ઠ પંડાલોને રાજ્ય સરકાર દ્વારા રૃ.૫ લાખ,૩ લાખ અને રૃ.દોઢ લાખના ત્રણ ઇનામો આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ માટે સરકારની સ્ક્રીનિંગ કમિટી દ્વારા પંડાલોની મુલાકાત લઇને ક્રમાંક નક્કી કરવામાં આવશે.ગણેશ મંડળોને તેની માહિતી આપવામાં આવી રહી છે.