Bihar Election AAP: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં વિપક્ષ ગઠબંધન INDIAને મોટો ઝટકો વાગ્યો છે. INDIA ગઠબંધનમાં સામેલ AAP એ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. બિહારમાં આમ આદમી પાર્ટી પોતાના જોરે તમામ 243 બેઠકો પર ચૂંટણી લડશે. દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી હવે ફરી રાષ્ટ્રીય સ્તરે વર્ચસ્વ જમાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે રણનીતિ ઘડી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં AAPના રાષ્ટ્રીય મીડિયા સંયોજક અનુરાગ ઢાંડાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોઈપણ ગઠબંધનમાં સામેલ નથી. અમારી પાસે અમારી પોતાની તાકાત છે. અમે તેના જોર પર જ આગળ વધી રહ્યા છીએ. INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી માટે હતું. હવે અમે કોઈપણ ગઠબંધનનો ભાગ નથી.
AAPની રણનીતિ
આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. હાલમાં જ તેણે સ્ટુડન્ટ વિંગની સ્થાપના કરી હતી. પક્ષે રાજ્યોને બે કેટેગરીમાં વહેંચી દીધા છે. એ કેટેગરીમાં મોટી ટિકિટ પર મુકાબલો લડશે. જ્યાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ સક્રિય બનશે. જેમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી અને ગોવા સામેલ છે. જ્યારે બી કેટેગરીમાં પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચોઃ કડી બાદ વિસાવદરની વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નિતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા
બિહારમાં એકલા હાથે લડશે ચૂંટણી
AAPના બિહાર પ્રભારી અજેશ યાદવે જણાવ્યું કે, AAP એકલા હાથે બિહારમાં ચૂંટણી લડશે. અમે બૂથ સ્તર પર પક્ષને મજબૂત બનાવવા પર ફોકસ કરી રહ્યા છીએ. હાલ મહત્ત્વના રાજ્યમાં સાત તબક્કામાં પ્રવાસ શરૂ કર્યો છે. જેથી વધુને વધુ લોકો જોડાઈ શકીએ. અમે સીમાડાના ક્ષેત્રોમાં ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. આગામી બે વર્ષ માટે પક્ષે પોતાનો કાર્યક્રમ નિર્ધારિત કરી લીધો છે. આસામમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કેજરીવાલે પ્રચાર વેગવાન બનાવ્યો છે. 2027માં ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ગોવા અને ગુજરાતમાં ચૂંટણી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે.
દિલ્હીમાં કારમી હાર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યની તમામ 70 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી હતી. પરંતુ તેના ખાતામાં માત્ર 22 બેઠકો આવી હતી. ભાજપે 48 બેઠકો પર જીત હાંસલ કરી હતી. છેલ્લા બે ટર્મથી (10 વર્ષ) અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં શાસન કર્યા બાદ આ કારમી હારની સાથે પક્ષ રાષ્ટ્રીય સ્તરે નબળો પડ્યો છે.