Surat Corporation : સુરત મહાનગરપાલિકાના 300 થી વધુ કર્મચારીઓને મ્યુનિ. કમિશ્નરે દિવાળી પહેલા જ ગિફ્ટ આપી દીધી છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા કરવામાં આવેલા ઓર્ડરમાં લાંબા સમયના અનુભવ બાદ 25 કર્મચારીઓને કાયમી કર્યા જ્યારે 279 કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
સુરત મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલ દ્વારા પાલિકાના 300 જેટલા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મ્યુનિ. કમિશ્નરે મંજૂરી આપી છે જેમાં જુદી જુદી કેડરમાં ફરજ બજાવતા 279 કર્મચારીઓને તેમની નોકરીના વર્ષને ધ્યાને રાખીને ઉચ્ચતર પગાર ધોરણ જાહેર કર્યું છે. જેમાં આ ઉપરાંત 25 કર્મચારીઓને નોકરીમાં કાયમી નિમણૂક આપવામાં આવી છે.
મ્યુનિ. કમિશનરે આજે મંજૂરી આપી છે તેમાં વર્ગ 2 માં સમાવેશ થાય છે તેવા એક ક્યુરેટર અને વર્ગ ત્રણમાં સમાવેશ થાય છે તેવા ત્રણ લેડી સ્વીમીંગ ઈન્સ્ટ્રકટર ઉપરાંત વર્ગ ચારમાં સમાવેશ થાય છે તેવા 21 મુકાદમને કાયમી નોકરીની મંજુરી આપવામાં આવી છે. જ્યારે વર્ગ ત્રણમાં આવતા ટેકનીકલ આસીસ્ટન્ટ ઝુ-ગાઈડ, હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ સહિત 73 કર્મચારીઓનો સમાવેશ ઉચ્ચતર પગાર ધોરણ માટે કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વર્ગ ચારના પટ્ટાવાળા, બેલદા૨, સફાઈ કામદાર તથા અન્ય કેડરના મળી 206 કર્મચારીઓને પણ ઉચ્ચતર પગાર માટે મંજુરી આપવામા આવી છે.