Google vs US Court: ગૂગલ પર મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગતવર્ષે ઑગસ્ટમાં બે મોટા એન્ટીટ્રસ્ટ કેસમાં હારનો સામનો કર્યા બાદ યુએસના ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતા ટોચના સર્ચ એન્જિન ક્રોમ બ્રાઉઝરને વેચી દેવાનો આદેશ આપી શકે છે. જેના લીધે વિશ્વના ટોચના સર્ચ એન્જિન અને વિજ્ઞાપનના બિઝનેસ પર જોખમ વધ્યું છે. જેના લીધે તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો શેર 15થી 25 ટકા તૂટી શકે છે.
કોર્ટ અને ગૂગલ વચ્ચે દલીલો પૂર્ણ
ગત શુક્રવારે ગૂગલ અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ વચ્ચે અંતિમ તબક્કાની દલીલો થઈ હતી. એજન્સીના વકીલોએ દલીલ કરી હતી કે, જસ્ટિસ મહેતા ગૂગલ પર ક્રોમ વેબ બ્રાઉઝર વેચી દેવા અને તેના સર્ચ ડેટાના શેર હરીફો સાથે વહેંચવા ઉપરાંત મોબાઇલ ઉપકરણો અને બ્રાઉઝર્સ પર ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને સુરક્ષિત રાખતા એક્સક્લુસિવિટી કરારો પર પ્રતિબંધ મૂકવાની ફરજ પાડી રહ્યા છે.
શું હતો કેસ?
ડિજિટલ યુગમાં ઓનલાઇન સર્ચ માર્કેટમાં ગૂગલ ગેરકાયદેસર મોનોપોલી ધરાવતું હોવાના આરોપમાં દોષિત ઠરી છે. એપલ અને સેમસંગ જેવા ડિવાઇસ અને સ્માર્ટફોન પર ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે અબજો ડૉલરની ડિલ કરી ગૂગલ એન્ટી-કોમ્પિટિટિવ પ્રેક્ટિસ મારફત સર્ચ માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખતી હોવાનો આરોપ મૂકાયો હતો. સરકારે ક્રોમ બ્રાઉઝરની માલિકીનું ગૂગલ માર્કેટમાં તેની ટોપ પોઝિશન જાળવી રાખવા અયોગ્ય નીતિઓ અપનાવી રહ્યું છે. તેમજ યુઝર્સ અને ડેટાના ચેનલિંગ દ્વારા અયોગ્ય લાભ લઈ રહ્યું છે. જેને ધ્યાનમાં લેતાં ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ગૂગલને તેનો ક્રોમ બ્રાઉઝર બિઝનેસ વેચી દેવા, ડિફોલ્ટ સર્ચ સ્ટેટસ માટે ડિવાઇસ મેકર્સના પેમેન્ટ પાછા કરવા, તેમજ હરીફો સાથે સર્ચ ડેટા શેર કરવા આદેશ આપી શકે છે. જેના માટે સરકારે એક્સપર્ટની પણ નિમણૂક કરી છે.
આ પણ વાંચોઃ ભારત કહે છે તેના કરતાં ઘણો મોટો હુમલો હતો, 20 નહીં 28 સ્થળે નુકસાન: પાકિસ્તાનની કબૂલાત
ટેક એનાલિસ્ટે આપી સલાહ
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ ઇચ્છે છે કે, ગૂગલ તેના ક્રોમ બ્રાઉઝર, એડ ટેક નેટવર્ક, અને એન્ડ્રોઇડનો સ્ટેક હળવો કરે. ટેક એનાલિસ્ટ ગિલ લુરિયાએ ગૂગલને આ મામલે સલાહ આપતાં કહ્યું કે, ગૂગલે કોર્ટનો નિર્ણય આવે તે પહેલાં જ પોતાનો અમુક હિસ્સો વેચી દેવાના બદલે આખા ગ્રૂપને જ વેચી દેવાની કવાયત હાથ ધરવી જોઈએ. તેની કુલ કમાણીનો અડધો હિસ્સો ગૂગલના સર્ચ એન્જિનમાંથી આવે છે. ઉભરતાં એઆઈ ટુલ્સ તેના વર્ચસ્વ માટે જોખમી બની રહ્યા છે. ઇતિહાસમાં પહેલી વાર એપ્રિલમાં એપલના સફારી બ્રાઉઝર પર ગૂગલ સર્ચમાં ઘટાડો થયો હતો જેના લીધે આ વર્ષે ગૂગલનો શેર 9 ટકા તૂટ્યો હતો.
ક્રોમને ખરીદવા માટે આ કંપનીઓ આવશે આગળ
નિષ્ણાતો અનુસાર, ક્રોમ ખરીદવા માટે સૌથી વધુ સંભવિત ઉમેદવારો ઓપનએઆઇ, એન્થ્રોપિક અથવા પરપ્લેક્સિટી જેવી એઆઇ કંપનીઓ આગળ આવી શકે છે. ક્રોમના 4 અબજ યુઝર્સ છે. જે ગૂગલની સર્ચ રેવન્યુમાં 35 ટકા હિસ્સો ધરાવે છે. જો ગૂગલના સમગ્ર બિઝનેસને વેચી દેવામાં આવે તો તેની કુલ વેલ્યુ 3.7 લાખ કરોડ ડૉલર થઈ શકે છે. જે કંપનીની વર્તમાન માર્કેટ કેપ કરતાં બમણી છે. વાયોમની કિંમત ટેસ્લાની કુલ નેટવર્થ જેટલી છે.
અગાઉ પણ વેચાઈ હતી કંપની
ગૂગલનું આ પ્રથમ વખત ડિમર્જર થઈ રહ્યું નથી. અગાઉ પણ AT&T 1984માં સરકારના દબાણ હેઠળ કંપની વેચવા મજબૂર બની હતી. વર્તમાનમાં કંપનીને વિભાજિત કરવાનો કોઈપણ નિર્ણય આખરે ગૂગલના સ્થાપકો પાસે રહેશે. તેમ છતાં, ગૂગલના અંગત લોકોએ ડિમર્જરના વિચારને નકાર્યો નથી. ગૂગલના ભૂતપૂર્વ પોલિસી એક્ઝિક્યુટિવ એડમ કોવાસેવિચે જણાવ્યું હતું કે, કોઈપણ બિઝનેસ લીડરએ બધા વિકલ્પો હાથવગા રાખવા જોઈએ. અમે ચોક્કસપણે આ મુદ્દે વિચારી શકીએ છીએ.