Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે, આ સિવાય અનેક રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટા ઉદેપુરમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં સંખેડા-હાંડોદ રોડ પર એસ.ટી અને ખાનગી બે બસ ફસાઇ ગઈ હતી. જોકે, સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દોરડા મારફતે અંદર બેઠેલા મુસાફરોને માંડ-માંડ બહાર કાઢ્યા હતા.
ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ
સતત વરસી રહેલા વરસાદના કારણે બાડેલીમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે રોડ પર નદી વહેતી હોય એવી સ્થિતિ સર્જાઇ છે. રઝાનગર અને દીવાન ફિળિયામાં પણ પાણી ભરાઇ જવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત જળ મગ્ન!
વળી, બીજી બાજુ સુરતમાં પણ સતત વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સુરતના મોરા ભાગલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિવાય અનેક BRTS બસ સ્ટોપમાં પણ પાણી ફરી વળ્યા છે. કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ફસાઇ ગયા હતા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
અંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ
આ સિવાય અંકલેશ્વર-સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. કડકીયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. એવામાં લોકોએ જીવના જોખમે સ્ટેટ હાઇવે પરથી પસાર થવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે
ડભોઈમાં દેવ અને ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ
વડોદરામાં પણ વરસાદના કારણે આવી જ સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. એવામાં ડભોઈમાં દેવ અને ઢાઢર નદીએ પણ રૌદ્ર રૂપ લીધું છે. દેવ ડેમમાંથી 12700 ક્યુસેક પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારો હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
આ સિવાય વાઘોડિયાના ચણોથીયા ગામ પાસે તામસી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. તામસી નદીના પાણી ગામની આજુ-બાજુ ફરી વળતા ચણોઢીયા પૂરાથી ડભોઈ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.