અમદાવાદ : સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (પીએસયુ) દ્વારા ડિવિડન્ડ ચુકવણી નાણાકીય વર્ષ ૨૦૨૫ માં તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચવાની તૈયારીમાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, સરકારને જાહેર સાહસો પાસેથી રૂ. ૬૯,૮૭૩ કરોડનું ડિવિડન્ડ મળ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા સપ્તાહમાં ડિવિડન્ડની આવક રૂ. ૭૦,૦૦૦ કરોડને પાર કરશે એવી શક્યતા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માં, સરકારને ૬૩,૭૪૯.૩ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું, જે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ડિવિડન્ડ કોલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ૧૦,૨૫૨.૦૯ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે.
આ પછી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનસીજી) એ રૂ. ૧૦,૦૦૧.૯૭ કરોડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને રૂ. ૩,૫૬૨.૪૭ કરોડ, ટેલિકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સએ રૂ. ૩,૭૬૧.૫૦ કરોડ અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે રૂ. ૩,૬૧૯.૦૬ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું છે.
સરકારે ગયા વર્ષે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ માટે ડિવિડન્ડ નીતિમાં ફેરફાર કર્યો હતો. નવી માર્ગદશકા અનુસાર, જો કોઈપણ કાનૂની જોગવાઈ હેઠળ કોઈ પ્રતિબંધ ન હોય તો, દરેક પીએસયુ એ વાર્ષિક ધોરણે તેના કર પછીના નફાના ૩૦ ટકા અથવા તેની નેટવર્થના ૪ ટકા (જે વધારે હોય તે) ઓછામાં ઓછું ડિવિડન્ડ ચૂકવવાનું રહેશે.
પબ્લિક એન્ટરપ્રાઇઝ સર્વે મુજબ, ૨૭૨ કાર્યરત CPSE છે, જેમાંથી ૨૧૨નો નાણાકીય વર્ષ ૨૦૨૪માં કુલ રૂ. ૩.૪૩ લાખ કરોડનો ચોખ્ખો નફો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૨.૧૮ લાખ કરોડના નફા કરતાં લગભગ ૪૮ ટકા વધુ છે.