કાલાવડ રોડ-રીંગરોડ પર એક સાથે 9 બ્રિજનું ખાતમુહુર્ત
મનપાએ એક મહિનો વધારે મોડુ કર્યુંઃ સિટી બસ સેવામાં વધુ 25 નવી સી.એન.જી.બસનો ઉમેરો, રીંગરોડના 3 કામો પણ શરુ થશે
રાજકોટ: રાજકોટના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં ૧૧૮૩૧ ચોરસમીટર જમીનમાં મનપાએ રૂ।.૨૩.૬૦ કરોડના જંગી ખર્ચે બનાવેલા શહેરના રેસકોર્સ પછીના બીજા અદ્યતન ઈન્ડોર ગેઈમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું આવતીકાલે લોકાર્પણ થશે. આ કામની મુદત તો અગાઉ પૂરી થઈ ગઈ હતી અને છેલ્લે તા.૪ નવેમ્બરની મુદતમાં ે ત્રણ માસ મોડુ કરાતા રૂ।.૨.૩૬ કરોડની પેનલ્ટી વસુલાશે.ઉપરાંત આવતીકાલે મનપા દ્વારા કાલાવડ રોડ-રીંગરોડ જંક્શન પર આઈકોનિક બ્રિજ સહિત એક સાથે ૯ બ્રિજનુ કામનું અને રીંગરોડ ડેવલપમેન્ટના રૂડાના કામોના પણ ખાતમુહુર્ત થશે.
મનપાના ઈજનેરી સૂત્રો અનુસાર મવડી ઈન્ડોર સ્ટેડિયમનું કામ તા.૪-૧૧-૨૦૨૪ની અપાયેલી છેલ્લી મુદત સામે તા.૧૮-૨-૨૦૨૫ના પૂરું થયું છે અને ૧૦૬ દિવસનું મોડુ કરવા બદલ એજન્સી ગુરુકૃપા પાસેથી પેનલ્ટી પેટે રૂ।.૨.૩૬ કરોડ વસુલ કરાશે. ઉલ્લેખનીય છે કે એજન્સીએ કામ પૂર્ણ કર્યા પછી પણ એક માસનુ મોડુ લોકાર્પણ માટે થયું છે. વળી, આ કામ જ્યારે અપાયું ત્યારે જ અતિ ઉંચા ભાવે વધુ પડતો ખર્ચ મંજુર કરીને અપાયું હતું.
ંમનપાની ધમઘમતી સિટી બસ સેવામાં આવતીકાલે વધુ ૨૫ નવી સી.એન.જી.બસોના લોકાર્પણ સાથે તેનો ઉમેરો થશે જેના કારણે નવા રૂટ શરુ કરીને આ સેવાનો વિસ્તાર કરી શકાશે. રોજ ૫૦ હજારથી વધુ લોકો આ માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે.
આ ઉપરાંત, આવતીકાલે (૧) સૌપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનીટરીંગ સીસ્ટમ સાથે અને સુશોભિત બાંધકામ સાથે બીઆરટીએસ લાઈનનો સમાવેશ થાય તે રીતે કટારીયા શોરૂમ પાસે ૭૪૪ મીટરના આઈકોનિક બ્રિજ અને ચોકમાં તેની નીચે રીંગરોડ પર પસાર થતા વાહનો માટે ૪૫૯ મીટર લંબાઈના અન્ડરબ્રીજના કામનું (૨) રૈયા સ્મશાનથી સ્માર્ટ સિટી-રીંગરોડ તરફ જતા વર્ષોથી જર્જરિત રહેલા રોડ પર (૩) અટલ સરોવર પાસેના રીંગરોડ પર ૩ બ્રિજ (૪) આર્ષ વિદ્યામંદિર પાસે મુંઝકામાં ૨ બ્રિજ સહિત એક મોટા અને ૮ નાના બ્રિજનું ખાતમુહુર્ત થશે. ત્યારબાદ એક-બે મહિનામાં આ કામ શરુ કરાશે તેમ જણાવાયું છે.ઉપરાંત રૂડા દ્વારા રીંગરોડ ડેવલપમેન્ટ સહિત કૂલ એકંદરે ૫૮.૫૪ કરોડના કામોના લોકાર્પણ અને ૩૩૨.૨૬ કરોડના કામોના ખાતમુહુર્ત યોજાશે.