મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ બે તરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૨૫થી ૩૦૨૬ વાળા નીચામાં ૩૦૦૭ તથા ઉંચામાં ૩૦૨૬ થઇ ૩૦૧૯થી ૩૦૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતા વૈશ્વિક સોનાના ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા.
જો કે ક્રૂડતેલ ઉંચકાતા સોનામાં ઘટાડે વિશ્વ બજારમાં સપોર્ટ પણ મળી રહ્યાના વાવડ હતા. દરમિયાન, વેનેનઝુએલા ખાતેથી ક્રૂડતેલની આયાત કરનારા દેશો પર ટેરીફ લાદવામાં આવશે એવી ચેતવણી અમેરિકાએ આપતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યાના વાવડ હતા.
અમેરિકાની આવી ચેતવણીના કારણે વેનેન્ઝુએલાનું ઓઇલ સપ્લાય વિશ્વ બજારમાં ઘટવ ાની ભીતી ઉભી થઇ છે. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૦૦ ઘટી ૯૯૫ના રૂા. ૯૦૩૦૦ તથા ૯૯૯ના રૂા. ૯૦૬૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલો દીઠ રૂા. ૫૦૦ ઘટી રૂા. ૯૮૦૦૦ બોલાતા થયા હતા.
વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૬થી ૩૩.૧૭ વાળા નીચામાં ૩૨.૯૨ તથા ઉંચામાં ૩૩.૫૪ થઇ ૩૩.૪૮થી ૩૩.૪૯ ડોલર રહ્યા હતા.
મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂા. ૮૭૩૬૮ વાળા રૂા. ૮૭૨૦૮ ખુલી રૂા. ૮૭૪૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૮૭૭૧૯ વાળા રૂા. ૮૭૫૫૯ ખુલી રૂા. ૮૭૭૫૧ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૯૭૪૦૭ વાળા રૂા, ૯૭૩૭૮ ખુલી રૂા. ૯૭૯૨૨ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૯૮૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૫૨ તથા ઉંચામાં ૯૬૪ થઇ ૯૬૦થી ૯૬૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૭ ટકા વધી ટનના ભાવ ૧૦ હજાર ડોલરને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલના વધી ૭૩.૫૫ થઇ ૭૩.૫૦ ડોલર તથા યુએસ ક્રુડના ભાવ વધી ૬૯.૬૬ થઇ ૬૯.૫૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ રેકોર્ડ વધી જતા સોનાની માઇનિંગ કંપનીઓના શેરોમાં પણ હવે લેવાલી વધતા તેજી આવ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક ગોલ્ડ ઇટીએફમાં હોલ્ડીંગ વધ્યું છે ત્યારે હવે ગોલ્ડ માઇનિંગ કંપનીઓના ઇટીએફમાં પણ લેવાલી વધ્યાના વાવડ મળ્યા હતા. ન્યુમાઉન્ટ, બેરીક ગોલ્ડ માઇન્સ સહીતના વિલ્ધ ગોલ્ડ માઇન્સ કંપનીઓના શેરોના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા.