અમદાવાદ,મંગળવાર,8 એપ્રિલ,2025
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા પાનકોરનાકાની રમકડા
માર્કેટના એક બિલ્ડિંગના પહેલા માળ ઉપર આવેલી પાંચ દુકાનમાં આગથી વ્યાપક પ્રમાણમાં
નુકસાન થયુ હતુ.બપોરના સમયે લાગેલી આગમાં સાંકડી ગલીમાં ફાયરના વાહનોને લઈ જવામાં
પણ ટ્રાફિક નડતરરુપ બન્યો હતો. શોટ સરકીટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ ફાયર
વિભાગ તરફથી જાણવા મળ્યુ છે. બે કલાક પછી આગ હોલવાઈ હતી. દુકાનોમાં રાખવામાં આવેલા
પ્લાસ્ટિકના રમકડા, પ્લાસ્ટિક
મટીરીયલ સહિતનો જથ્થો ખાખ થયો હતો.
પાનકોરનાકા રમકડા માર્કેટની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ
ફાયર કંટ્રોલને બપોરે ૩.૨૫ કલાકના સુમારે
કોલ મળતા શરુઆતમાં દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતેથી ફાયરના વાહન મોકલાયા હતા. આગની
ભીષણતાને જોયા પછી પાંચકુવા,શાહપુર
ઉપરાંત નરોડા ફાયર સ્ટેશન ખાતેથી એમ કુલ મળીને દસ જેટલા ફાયર ફાઈટીંગ વાહનો સાથે
ફાયર વિભાગની ટીમે આગ હોલવવા કામગીરી શરુ કરી હતી. સાંકડી ગલીમાં આવેલા બિલ્ડીંગના
પહેલા માળ ઉપર આવેલી દુકાનોમાં ફાયર વિભાગની ટીમને ધાબા ઉપર જઈને આગ હોલવવા પાણીનો
મારો ચલાવવાની ફરજ પડી હતી.આગની ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી. ગીચ
એવા પાનકોરનાકા વિસ્તારમાં આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળાં રસ્તા ઉપર ઉતરી
આવતા ફાયરના વાહનોને સાંકડી ગલીમાં લઈ જવા લોકોને દુર કરવાની ફરજ પડી હતી.
ન્યૂ રાણીપમાં જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગી
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં મંગળવારે બપોરે ૧૨.૫૦
કલાકના સુમારે અંબુજા પાર્ટી પ્લોટ રોડ ઉપર આવેલા જીઓના મોબાઈલ ટાવરમાં
ઓવરહીટીંગના કારણે આગ લાગતા સાબરમતી ફાયર સ્ટેશનથી વોટર ટેન્કર મોકલી આગ
હોલવવવામાં આવી હતી.