– પાક. જાસૂસ જ્યોતિ સાથે સંકળાયેલા જસબીરની પંજાબમાં ધરપકડ
– જસબીર ત્રણ વખત પાક. ગયો હતો, હાઇ કમિશનના દાનિશ સાથે ઘરોબો, અનેક પાકિસ્તાનીના નંબર મળ્યા
ચંડીગઢ : પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી બદલ વધુ એકની ધરપકડ કરી છે. બુધવારે ઝડપાયેલો જસબીર સિંહ યુટયુબર છે અને તેનું પાક. હાઇ કમિશન તેમજ અગાઉ જાસૂસી માટે ધરપકડ કરાયેલ જ્યોતિ મલ્હોત્રા સાથે કનેક્શન સામે આવ્યું છે. જસબીરની યુટયુબ ચેનલ પર ૧૧ લાખથી વધુ સબ્સક્રાઇબર્સ છે. છેલ્લા ૨૪ કલાકમાં પંજાબમાં પાક. માટે જાસૂસી કરનારો આ બીજો વ્યક્તિ ઝડપાયો છે.
પંજાબના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (એસએસઓ) દ્વારા જસબીરની ધરપકડ કરવામાં આવી છે. તે હરિયાણાથી ઝડપાયેલ યુટયુબર જ્યોતિ મલ્હોત્રા તેમજ ભારત માટે જાસૂસી કરનાર પાક. હાઇ કમિશનના કર્મચારી દાનિશ સાથે સંબંધ ધરાવે છે. અગાઉ જ્યોતિ મલ્હોત્રાની પણ પોલીસ દ્વારા ધરપકડ થઇ ચુકી છે. યુટયુબર જસબીર પાકિસ્તાની એજન્સીનો એજન્ટ શાફિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે જોડાયેલો છે.
તપાસમાં સામે આવ્યું છે કે જસબીર દાનિશના કહેવાથી દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડેમાં સામેલ થયો હતો, જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ અને વ્લોગર્સ સાથે થઇ હતી. જસબીર ત્રણ વખત પાકિસ્તાન પણ જઇ ચુક્યો છે. વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪માં તે પાકિસ્તાન ગયો હતો. તેના ડિવાઇસમાંથી અનેક પાકિસ્તાનીઓના ફોન નંબર પણ મળી આવ્યા છે. જેની વિસ્તૃત ફોરેંસિક તપાસ પણ થઇ રહી છે. જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી તે બાદથી જ જસબીર પુરાવાનો નાશ કરવામાં લાગી ગયો હતો. પંજાબના રુપનગરનો રહેવાસી જસબીર પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોહાલીના એસએસઓસીમાં આ મામલે એફઆઇઆર દાખલ કરાઇ છે અને વધુ તપાસ શરૂ કરાઇ છે.