– ઇપીએફઓના સભ્યો માટે નાણાં ઉપાડવા સરળ બનશે
– કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ભલામણોને મંજૂરી આપી
નવી દિલ્હી : ભારતના કર્મચારીઓ માટે લેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ની રકમ ઉપાડવાનું શક્ય બનાવવા ટૂંક સમયમાં એક ક્રાંતિકારી સિસ્ટમ અમલમાં મૂકવા જઇ રહ્યું છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરનાર ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ભલામણોને મંજૂરી આપી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે પીએફ સભ્ય ચાલુ વર્ષે મેના અંતમાં અથવા જૂનમાં યુપીઆઇ અને એટીએમના માધ્યમથી પીએફના નાણા ઉપાડી શકશે.
પીએફના સભ્ય ડાયરેક્ટ યુપીઆઇ પર પોતાના પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. તાત્કાલિક એક લાખ રૂપિયા ઉપાડી શકશે અને ટ્રાન્સફર માટે પોતાના બેંક ખાતાની પસંદગી કરી શકશે.
તેમણે જણાવ્યું હતું કે સંગઠને નિયમો સરળ બનાવી દીધા છે અને નાણા ઉપાડવાના વિકલ્પોનો વિસ્તાર કર્યો છે. ઇપીએફઓના સભ્યો હવે વર્તમાન બિમારી જોગવાઇઓ ઉપરાંત મકાન, શિક્ષણ અને લગ્ન માટે પણ નાણાં ઉપાડી શકે છે. સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે ઇપીએફઓએ પોતાની તમામ પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ સાધી છે. તેમણે જણાવ્યું હતું કે પીએફમાંથી નાણા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સુવ્યસ્થિત બનાવવા માટે ૧૨૦ ડેટાબેઝને એકત્ર કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ સાથે જ દાવા પ્રક્રિયાનો સમય ઘટાડીને ત્રણ દિવસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ૭૫ ટકા દાવા સ્વચાલિત છે. તાજેતરના સુધારાઓ પછી પેન્શનધારકોને પણ અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. ડિસેમ્બરથી અત્યાર સુધી ૭૮ લાખ પેન્શનધારકોને કોઇ પણ બેંક શાખામાંથી નાણા ઉપાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.
પહેલી મેથી નવા દરો અમલમાં આવશે
એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવું મોંઘું થશે
અમદાવાદ : દેશભરની બેંકોના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા કે બેલેન્સ ચેક કરવું વધુ ખર્ચાળ બની શકે છે. આરબીઆઈએ ૧લી મેથી બેંકોના એટીએમ ઈન્ટરચેન્જ ફી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
સોમવારે મોડી સાંજે ભારતીય રિઝર્વ બેંકે એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમનો મર્યાદિત સંખ્યા કરતા વધુ ઉપયોગ કરશો તો તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે. આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લેવામાં આવ્યો છે. વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોએ જણાવ્યું હતું કે વધતા ખર્ચને આવરી લેવા માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવો જરૂરી છે, જેને હવે આરબીઆઈની મંજૂરી પછી ૧લી મેથી લાગુ કરવામાં આવી રહ્યો છે. નાની બેંકોના ગ્રાહકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણકે તેમની પાસે મર્યાદિત સંખ્યામાં એટીએમ છે. ઇન્ટરચેન્જ ફીમાં વધારાને કારણે જે ગ્રાહકો અન્ય બેંકોના એટીએમ પર આધાર રાખે છે તેમના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે જો બેંકો આ વધારાનો ચાર્જ ગ્રહકો પાસેથી વસૂલશે તો.
જોકે આ ડિજિટલ ભારત માટેનું વધુ એક પગલું પણ હોઈ શકે છે. આ વધારાના ખર્ચને ટાળવા માટે બેંક ગ્રાહક પોતાની બેંકના એટીએમનો જ વધુ ઉપયોગ કરશે, ડિજિટલ પેમેન્ટ મોડ પર વધુ આધાર રાખશે. આ કારણે યુપીઆઈ, મોબાઇલ બેંકિંગ યુઝર્સ વધશે અને ઓનલાઇન ટ્રાન્ઝેકશનો ઉપયોગ વધશે. ગ્રાહકો તેમની મફત ટ્રાન્ઝેકશન લિમિટ ઓળંગી જાય પછી આ શુલ્ક લાગુ થશે. મેટ્રો શહેરોમાં મફત વ્યવહારોની મર્યાદા પાંચ અને નોન-મેટ્રો શહેરોમાં હાલ ત્રણ છે. રોકડ ઉપાડ પર ચાર્જ ૧૭ રૂપિયાથી વધારી ૧૯ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે બેલેન્સ ચેક ચાર્જ ૬ રૂપિયાથી વધારી ૭ રૂપિયા કરવામાં આવ્યો છે.