મુંબઇ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨, એપ્રિલથી ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા મક્કમ હોવાનું, પરંતુ યુરોપના દેશો ટ્રમ્પની નીતિનો પડકાર ઝીલી લઈ વળતી લડત આપવા તૈયાર હોઈ યુરોપના દેશોના બજારોમાં આજે તેજી જોવાઈ હતી. જ્યારે ભારત રેસિપ્રોકલ ટેરિફથી બચી શકશે નહીં એવા અપાયેલા સંકેત અને આ ટેરિફ લાગુ થવાની પૂરી શકયતાએ ભારતીય શેર બજારોમાં આજે તોફાની તેજીને ઊંચા મથાળે વિરામ આપવામાં આવ્યો હતો. અલબત આજે સળંગ સાતમાં દિવસે સેન્સેક્સ, નિફટી પોઝિટીવ ઝોનમાં રહ્યા હતા. નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા જઈ રહ્યું હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ચોપડે જે શેરોમાં નુકશાની થતી હોય એ શેરો વેચીને નુકશાની બુક કરવારૂપી વેચવાલી થઈ રહી હોવા સામે આ શેરો ખરીદવાની ફોરેન ફંડો અને મહારથીઓ સતત તક ઝડપી રહ્યા હતા.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૭૫૭ પોઈન્ટ ઉછળી ૭૮૭૪૧ અને નિફટી ૨૧૧ પોઈન્ટ ઉછળી ૨૩૯૬૯ સ્પર્શયા
કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં આજે વેચવાલી થતાં ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો અંતે ધોવાયો હતો. સેન્સેક્સ આરંભમાં ૭૫૭.૩૧ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૮૭૪૧.૬૯ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળે વેચવાલીએ ઉછાળો ધોવાઈ નીચામાં ૭૭૭૪૫.૬૩ સુધી આવી અંતે ૩૨.૮૧ પોઈન્ટ વધીને ૭૮૦૧૭.૧૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૨૧૧.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૨૩૮૬૯.૬૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૬૦૧.૪૦ સુધી આવી અંતે ૧૦.૩૦ પોઈન્ટ વધીને ૨૩૬૬૮.૬૫ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીને બ્રેક લાગી આજે એન્ટ્રીઓના મોટા સોદા થતાં નરમાઈ જોવાઈ હતી. આઈટી કંપનીઓ માટે યુબીએસના નાણા વર્ષ ૨૦૨૬ માટે પોઝિટીવ આઉટલૂકને લઈ આજે શેરોમાં મજબૂતી જોવાઈ હતી.
યુબીએસનું આઈટી માટે પોઝિટીવ આઉટલૂક : રામકો, સાસ્કેન, પર્સિસ્ટન્ટ, ઝેનસાર, ઈન્ફોસીસમાં તેજી
વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ યુબીએસ દ્વારા આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓની નાણા વર્ષ ૨૦૨૬ની કામગીરી માટે પોઝિટીવ આઉટલૂક આપતાં શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૨૭.૫૦ પોઈન્ટ વધીને ૩૭૦૪૦.૧૯ બંધ રહ્યો હતો. ઈન્ફોસીસ રૂ.૩૯.૫૦ વધીને રૂ.૧૬૩૧.૭૦, કોફોર્જ રૂ.૧૮૪.૨૫ વધીને રૂ.૭૯૫૬.૧૦, સિગ્નિટી રૂ.૨૮.૦૫ વધીને રૂ.૧૪૪૨.૨૦, એમ્ફેસીસ રૂ.૪૭.૮૫ વધીને રૂ.૨૫૩૦.૧૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૪૭ પોઈન્ટ તૂટયો : ડિક્સન રૂ.૯૬૫, કલ્યાણ જવેલર્સ રૂ.૨૦ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૦૪૭.૧૦ પોઈન્ટ તૂટીને ૫૪૪૮૭.૭૫ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૨૦ ઘટીને રૂ.૯૮૬.૩૦, વોલ્ટાસ રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૧૪૨૧.૨૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૨.૪૦ ઘટીને રૂ.૩૪૪૭.૭૦, ટાઈટન રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૩૦૫૫.૧૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં વેચવાલી : બોશ રૂ.૮૭૨ ગબડી રૂ.૨૭,૪૦૫ : ટીઆઈ ઈન્ડિયા, બાલક્રિષ્ન ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી થતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૭૮.૭૭ પોઈન્ટ ગબડીને ૪૮૭૪૩.૭૫ બંધ રહ્યો હતો. બોશ રૂ.૮૭૨.૬૫ તૂટીને રૂ.૨૭,૪૦૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૬.૮૫ ગબડીને રૂ.૨૭૭૩.૬૦, મધરસન રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૩૧.૧૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૯૫ ઘટીને રૂ.૨૫૬૫.૮૫, એક્સાઈડ રૂ.૫.૭૫ ઘટીને રૂ.૩૬૦.૨૦, બજાજ ઓટો રૂ.૧૨૨.૦૫ ઘટીને રૂ.૮૦૦૯.૬૦ રહ્યા હતા.
રેસિપ્રોકલ ટેરિફનો ફફડાટ : મેટલ શેરોમાં ફંડો વેચવાલ : નાલ્કો, એપીએલ, વેદાન્તા, સેઈલ, હિન્દાલ્કો ઘટયા
અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફના ફફડાટ વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો, રિટેલ ઈન્વેસ્ટરોએ આજે વેચવાલી કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૧૫.૭૮ પોઈન્ટ ઘટીને ૩૦૯૩૯.૩૯ બંધ રહ્યો હતો.સેઈલ રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૧૪.૬૫, એનએમડીસી રૂ.૧.૩૭ ઘટીને રૂ.૬૮.૧૮, હિન્દુસ્તાન ઝિંક રૂ.૮.૯૦ ઘટીને રૂ.૪૪૪.૩૦, કોલ ઈન્ડિયા રૂ.૭.૪૫ ઘટીને રૂ.૩૯૮.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૪.૫૫ ઘટીને રૂ.૯૦૮.૧૦, હિન્દાલ્કો રૂ.૭.૯૫ ઘટીને રૂ.૬૯૩.૫૦ રહ્યા હતા.
ફાર્મા પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવાની તૈયારી : સેનોરેસ, સિક્વેન્ટ, એમક્યોર, ઓર્કિડ ફાર્મા ઘટયા
અમેરિકા દ્વારા ભારતથી થતી દવાઓની આયાત પર ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરે એવી પૂરી શકયતાએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે તેજીને બ્રેક લાગી પ્રોફિટ બુકિંગ થયું હતું. ઓર્કિડ ફાર્મા રૂ.૪૧.૨૫ ઘટીને રૂ.૭૮૯, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૩૯૫.૭૫, થેમીસ મેડી રૂ.૭.૫૦ ઘટીને રૂ.૧૫૫.૬૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૨૮૨.૫૦ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંક મામલે પીડબલ્યુસી રિપોર્ટની તૈયારીએ રૂ.૩૨ ઘટી રૂ.૬૩૭ : કેનેરા બેંક, સ્ટેટ બેંક ઘટયા
ઈન્ડસઈન્ડ બેંક મામલે બાહ્ય ઓડિટર તરીકે પીડબલ્યુસી તેનો રિપોર્ટ શુક્રવારે રજૂ કરશે એવા અહેવાલ વચ્ચે શેર રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૬૩૭.૩૦ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨.૮૮ ઘટીને રૂ.૮૮.૪૪, યશ બેંક ૪૦ પૈસા ઘટીને રૂ.૧૭.૦૩, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૩૫ ઘટીને રૂ.૭૭૩.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૧૩૪૪.૪૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઈન્વેસ્ટરોની નુકશાની બુક કરવારૂપી વેચવાલી : ૨૯૮૩ શેરો નેગેટીવ બંધ
માર્ચ એન્ડિંગ નજીક હોઈ આજે ઘણા શેરોમાં ચોપડે નુકશાની બુક કરવારૂપી રિટેલ ઈન્વેસ્ટરો, ફંડોની વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૩ અને વધનારની સંખ્યા ૧૦૮૫ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૩૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૪.૯૪ લાખ કરોડ
શેરોમાં આજે નફારૂપી વેચવાલી સાથે નુકશાની બુક કરવા ઈન્વેસ્ટરોની વેચવાલી વધતા રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૩૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૪.૯૪ લાખ કરોડ રહી ગયું હતું.
FPIs/FII કેશમાં રૂ.૫૩૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૭૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે મંગળવારે શેરોમાં ફરી કેશમાં રૂ.૫૩૭૧.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૭૬૮.૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.