– રેપોરેટમાં પાંચ વર્ષનો સૌથી મોટો ઘટાડો: છ ટકાથી ઘટી 5.5 ટકા થયો
– આરબીઆઈના નિર્ણયથી બેન્કિંગ સિસ્ટમમાં આગામી મહિનાઓમાં રૂ.2.5 લાખ કરોડની નાણા પ્રવાહિતા વધવાની અપેક્ષા
– રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અંદાજ મુજબ 2025-26માં જીડીપી 6.5 ટકા રહેશે અને ફુગાવો 3.7 ટકા રહેશે
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા દેશના આર્થિક વિકાસને વેગ આપવાને પ્રાધાન્ય આપીને બેંકિંગ સિસ્ટમમાં રૂ.૨.૫ લાખ કરોડની નાણા પ્રવાહિતા વધારવા કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ચાર તબક્કામાં મળીને એક ટકાનો ઘટાડો કરવાનો અને રેપો રેટમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો ઘટાડો કરીને હોમ લોન, ઓટો લોન સહિતની લોન સસ્તી થવાનો માર્ગ મોકળો કરાયો છે. આ સાથે રેપો રેટ ૬ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા કરાયો છે અને સીઆરઆર ચાર ટકાથી ઘટાડીને ૩ ટકા કરવાનું આરબીઆઈએ જાહેર કર્યું છે.
નાણા વર્ષ ૨૦૨૬ માટે ફુગાવા-મોંઘવારીના અંદાજને ઘટાડીને ચાર ટકાથી ઘટાડીને ૩.૭ ટકા મૂકી અને જીડીપી વૃદ્વિના અંદાજને ૬.૫ ટકા જાળવીને આરબીઆઈએ લોકોની ખર્ચપાત્ર આવકમાં વૃદ્વિ થાય અને ધિરાણ વૃદ્વિને વેગ આપવાના ઉદ્દેશથી આજે ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટમાં ૦.૫૦ ટકા ઘટાડા અને સીઆરઆરમાં ચાર તબક્કામાં ૧૦૦ બેઝિઝ પોઈન્ટ એટલે કે એક ટકાનો મોટો ઘટાડો કરવાના મહત્વના નિર્ણયો લીધા છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં મોનીટરી પોલીસી કમિટી(એમપીસી)ની ત્રણ દિવસીય મીટિંગના અંતે આજે આ મહત્વના વ્યાજ દર ઘટાડાના નિર્ણય લેવાયા હતા. ચાલુ વર્ષમાં આ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કરાયો છે. બેંકો દ્વારા આરબીઆઈ પાસે ફરજિયાત રાખવી પડતી થાપણોના હિસ્સા તરીકે ગણાતા સીઆરઆરને ચાર તબક્કામાં દરેક ૨૫ બેઝિઝ પોઈન્ટ (૦.૨૫ ટકા) મળી ચાર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરાશે. જેની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૨૫થી થશે. આરબીઆઈના આ પગલાંથી બેંકિંગ સિસ્ટમમાં આગામી મહિનાઓમાં રૂ.૨.૫ લાખ કરોડની નાણા પ્રવાહિતા વધવાની અપેક્ષા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ એમપીસીના નિર્ણયો જાહેર કરી જણાવ્યું હતું કે, ”આરબીઆઈએ કેશ રિઝર્વ રેશીયો (સીઆરઆર)માં ચોખ્ખી માંગ અને મુદ્દતી જવાબદારીના ચાર ટકાથી ૧૦૦ બેઝિઝ પોઈન્ટ ઘટાડી ત્રણ ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષના સમયગાળા દરમિયાન ચાર સમાન તબક્કામાં ૨૫ બેઝિઝ પોઈન્ટ દરેક તબક્કામાં સીઆરઆર ઘટાડવામાં આવશે. જે આ વર્ષના ૬, સપ્ટેમ્બર, ૪ ઓકટોબર, ૧લી નવેમ્બર અને ૨૯, નવેમ્બરથી શરૂ થતાં પખવાડિયાથી અમલમાં આવશે. સીઆરઆરમાં ઘટાડો નવેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં લગભગ રૂ.૨.૫ લાખ કરોડની પ્રવાહિતા સર્જશે.જેનાથી બેંકો માટે ફંડનો ખર્ચ ઘટશે અને ધિરાણ વૃદ્વિને વેગ મળી શકશે.” આ વિશે તેમણે વધુ કહ્યું હતું કે, આપણે લિક્વિડિટી-નાણા પ્રવાહિતા પૂરી પાડવી જરૂરી છે, જે સીઆરઆરમાં ઘટાડો કરવા માટેના કારણો પૈકી એક છે. અમે હાલ માટે ત્રણ ટકા સીઆરઆર જાળી રાખીશું, સ્થિર અભિગમ રાખીને આરબીઆઈ તરલતાની સ્થિતિ પર ચાંપતી નજર રાખશે. આરબીઆઈના ભાવિ પગલાં દેશની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે વિકસિત થાય છે તેના પર નિર્ભર રહેશે. ભૂતકાળને પ્રતિબિંબિત કરતાં આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨-૧૩ વર્ષોમાં સીઆરઆર મોટાભાગે ચાર ટકા પર રહ્યો છે. કોવિડ સમયગાળા દરમિયાન તેમાં એક ટકાનો ઘટાડો થયો હતો. વર્તમાન અનુભવ સૂચવે છે કે, ત્રણ ટકા સીઆરઆર પર્યાપ્ત છે અને લિક્વિડિટી મેનેજમેન્ટના પરિપ્રેક્ષ્યમાં અનૂકૂળ પુરાંત પ્રદાન કરે છે. આ સાથે મલ્હોત્રાએ એવો પણ અંદાજ મૂક્યો હતો કે, સીઆરઆર ઘટાડાથી ખર્ચમાં ઘટાડા સાથે ચોખ્ખા વ્યાજ માર્જિનમાં ઓછામાં ઓછો ૭ બેઝિઝ પોઈન્ટનો સુધારો લાવવામાં મદદરૂપ નીવડશે. આ સાથે તેમણે વ્યાજ દર ઘટાડાનું સાઈકલ પૂરું થયાનું અને વધુ ઘટાડાને અવકાશ નહીં હોવાનો સંકેત આપ્યો છે.
આ દરમિયાન રેપો રેટમાં ૫૦ બેઝિઝ પોઈન્ટનો આશ્ચર્યજનક ઘટાડો કરીને આરબીઆઈએ વ્યાપક ધોરણે આર્થિક મંદીની ચિંતાનો સંકેત પણ આપ્યો છે. એમપીસીએ ભવિષ્યના નીતિ નિર્ણયોની સુગમતા માટે પણ તેનું વલણ ‘અનુકૂળ’માંથી ‘તટસ્થ’માં સ્થાનાંતરિત કર્યું છે. આરબીઆઈએ છેલ્લે ફેબુ્રઆરી અને એપ્રિલમાં રેપો રેટમાં દરેક વખતે ૨૫ બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ સાથે આ વર્ષમાં એક્ત્રિત ધોરણે ૧૦૦ બેઝિઝ પોઈન્ટ (એક ટકા)નો ઘટાડો કરાયો છે. આરબીઆઈએ જીડીપી-આર્થિક વૃદ્વિનો અંદાજ પાછલા અંદાજોમાં કોઈ ફેરફાર નહીં કરીને નાણા વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક માટે ૬.૫ ટકા, બીજા ત્રિમાસિક માટે ૬.૭ ટકા, ત્રીજા ત્રિમાસિક માટે ૬.૬ ટકા અને ચોથા ત્રિમાસિક માટે ૬.૩ ટકા જાળવી રાખ્યો છે.
હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડા થવાના સંજોગોમાં કેટલી રાહત થશે ?
પ્રથમ સંજોગમાં: જો ૨૦ વર્ષની મુદ્દતની હોમ લોન પરના વ્યાજ દર ૮.૫ ટકાથી ઘટીને ૭.૫ ટકા થાય તો (મુદ્દતમાં કોઈ બદલાવ નહીં): રૂ.૩૦ લાખની બાકી લોન પર ઈએમઆઈમાં રૂ.૧૮૬૭ સુધી બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૪.૪૮ લાખની બચત થઈ શકે. જ્યારે રૂ.૫૦ લાખની લોનની બાકી રકમ પર ઈએમઆઈમાં રૂ.૩૧૧૨ની બચત અને કુલ વ્યાજ ચૂકવણીમાં રૂ.૭.૪૬ લાખની બચત થઈ શકે. રૂ.૭૫ લાખની બાકી લોનની રકમ માટે ઈએમઆઈમાં રૂ.૪૬૬૭ બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૧૧.૨૦ લાખની બચત થઈ શકે. જ્યારે રૂ.૧ કરોડની હોમ લોનની બાકી રકમ પર ઈએમઆઈમાં રૂ.૬૨૨૩ની બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૧૪.૯૩ લાખની બચત થઈ શકે.
બીજા સંજોગોમાં: જો ૨૦ વર્ષની લોનની મુદ્દત જાળવીને વ્યાજ દર ૯ ટકાથી ઘટાડીને ૮ ટકા કરવામાં આવે તો: રૂ.૩૦ લાખની લોન પર ઈએમઆઈમાં રૂ.૧૮૯૯ બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૪.૫૬ લાખની બચત થઈ શકે. રૂ.૫૦ લાખની બાકી લોન પર ઈએમઆઈમાં રૂ.૩૧૬૪ બચત અને કુલ વ્યાજની ચૂકવણીમાં રૂ.૭.૫૯ લાખની બચત થઈ શકે, રૂ.૭૫ લાખની બાકી લોન પર ઈએમઆઈમાં રૂ.૪૭૪૬ બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૧૧.૩૯ લાખની બચત થઈ શકે. જ્યારે રૂ.૧ કરોડની લોન માટે ઈએમઆઈમાં રૂ.૬૩૨૯ બચત અને કુલ વ્યાજની ચૂકવણી પર રૂ.૧૫.૧૮ લાખની બચત થઈ શકે છે.
ત્રીજા સંજોગોમાં: વ્યાજ દર ૮.૫ ટકાથી ઘટીને ૭.૫ ટકા થાય અને ઈએમઆઈ એટલો જ રાખીને મુદ્દત ઘટાડવામાં આવે તો: અહીંથી ઈએમઆઈની રકમ જળવાઈ રહીને લોનની મુદ્દતમાં ૨.૯૭ વર્ષનો ઘટાડો થઈ શકે. જેથી રૂ.૩૦ લાખની લોન પર રૂ.૯.૨૬ લાખની બચત, રૂ.૭૫ લાખની લોન પર રૂ.૨૩.૧૫ લાખની બચત અને રૂ.૧ કરોડની લોન પર રૂ.૩૦.૮૮ લાખ સુધીની બચત થઈ શકે.
હાલમાં બેંકોમાં વિદેશી માલિકીની મર્યાદા વધારવાની કોઇ યોજના નથી : આરબીઆઇ
મુંબઇ : હાલમાં એક જ સંસ્થામાં વિદેશી માલિકીની મર્યાદા ૧૫ ટકાથી વધારવાનો કોઇ પ્રસ્તાવ નથી તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ એક નિવેદનમાં જણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હેડકવાર્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આરબીઆઇ બેંકોમાં માલિકી માળખા અને પાત્રતા માપદંડ જેવા મુદ્દાઓ પર પુનઃવિચાર કરવાની કવાયત શરૂ કરશે. જો કે મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસ પામતા અર્થતંત્રને વધુ બેંકોની જરૂર છે. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે એવા માલિકો અને મેનેજરોની જરૂર છે જે વિશ્વાસપાત્ર હોય. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે અમે બિન નિવાસીઓ માટે ૧૫ ટકાની પરવાનગી આપીએ છીએ. જો કે વિશેષ કેસોમાં ૧૫ ટકાથી વધુની પણ મંજૂરી આપવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં આ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થવાનો નથી. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આરબીઆઇ બેંકમાં સિંગલ ફોરેન ઇન્સ્ટીટયૂટને ૧૫ ટકા માલિકી રાખવાની મંજૂરી આપે છે. જો કે કેટલાક વિશિષ્ટ કેસોમાં આ મંજૂરીની મર્યાદા વધારવામાં પણ આવી છે.