– વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ચાર લાખ કરોડથી વધુની વેચવાલી
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર મહિનાથી દેશના શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની એકધારી વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈક્વિટી બજારમાંથી એફઆઈઆઈના આઉટફલોની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષ એકદમ જ ખરાબ પૂરવાર થયું છે. વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં વેચવાલી રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગઈ છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં અત્યારસુધીમાં રૂપિયા ૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી રહી છે. ગયા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વિદેશી રોકાણકારોની રૂપિયા ૧૪૩૯૫ કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.
વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેકસ ૭.૩૦ ટકા અને નિફટીમાં ૮.૩૦ ટકા ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાંએ ઈક્વિટી બજારમાં વેચવાલી આવી હતી. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનુંમાનસ ખરડાયેલુ છે.
કેટલીક રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો આવી પડયો છે, જે દેશની એકંદર આર્થિક સ્થિતિના સંકેત આપે છે. સેકન્ડરી બજારમાં વેચવાલ રહીને વિદેશી રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં નાણાં ઠાલવી રહી છે, પરંતુ તેની માત્રા ઘણી જ સામાન્ય છે.
ડોલરમાં મજબૂતાઈને કારણે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યાનું બજારના વર્તુળો માની રહ્યા છે. તાજેતરના સમયમાં ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડ ઊંચા રહેતા એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે.