અમદાવાદ : સુધારેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) શ્રેણીને વધુ અસરકારક બનાવવા અને કિંમતોમાં થતા ફેરફારોને વધુ સારી રીતે રજૂ કરવા માટે, વધુ બજારોમાંથી ભાવ ડેટા એકત્રિત કરવામાં આવશે. હાલમાં, દેશભરના ૨,૩૦૦ બજારોમાંથી આવો ડેટા એકત્રિત કરવામાં આવે છે, જેની સંખ્યા વધારીને ૨,૯૦૦ કરવામાં આવશે. નવી સુધારેલા ગ્રાહક ભાવ સૂચકાંક શ્રેણીમાં ઓનલાઈન બજારનો પણ ડેટા હશે.
હાલમાં, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલયના પ્રાદેશિક કામગીરી સેલ દ્વારા પસંદ કરાયેલા ૧,૧૮૧ ગામડાઓ અને ૩૧૦ શહેરો અને નગરોના ૧,૧૧૪ બજારોમાંથી માસિક ભાવ ડેટા એકત્રિત કરવામાં આવે છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં રજૂ થનારી નવી શ્રેણી ૨૫ લાખથી વધુ વસ્તી ધરાવતા ૧૨ શહેરોના ઓનલાઈન બજારોમાંથી પણ ભાવ ડેટા એકત્રિત કરશે.
ભૌતિક બજારોની સંખ્યામાં લગભગ ૨૫ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે, આ સાથે ૧૨ મુખ્ય વસ્તીવાળા શહેરોમાં ઓનલાઈન ભાવ ડેટા એકત્રિત કરાશે, જેનાથી ઈ-કોમર્સ ક્ષેત્રમાં પ્રવર્તમાન ભાવોનો ખ્યાલ આવશે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, આ ૧૨ શહેરોમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, સુરત, પુણે, જયપુર, લખનૌ અને કાનપુરનો સમાવેશ થાય છે. ઓનલાઈન બજારમાં ભારે ડિસ્કાઉન્ટ, વેચાણ, ઓફર વગેરેને કારણે ભાવમાં તીવ્ર વધઘટને ધ્યાનમાં લેવાશે.
આંકડા મંત્રાલય ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પરિવારો દ્વારા વપરાશ માટે ખરીદેલી વસ્તુઓ અને સેવાઓના ભાવ પર નજર રાખવા માટે એક અલગ ઈ-કોમર્સ સૂચકાંક બનાવવાનું પણ વિચારી રહ્યું છે.