Raghav Chadha Statement On Artificial Intelligence : આજે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડ સમક્ષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ઉઠાવાયો છે. આમ આદમી પાર્ટીના નેતાએ દાવો કર્યો છે કે, વિશ્વમાં AI પેટન્ટ રજિસ્ટ્રેશન મામલે અમેરિકા-ચીન કરતાં ભારત અનેકગણું પાછળ છે. આ સાથે તેમણે કેટલાક આંકડા પણ રજૂ કર્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે દેશ પાસે આ ટૅક્નોલૉજી હશે તે વિશ્વગુરુ બનશે, તો અધ્યક્ષે કહ્યું કે, ભારત જ વિશ્વગુરુ બનશે.
‘જે દેશ પાસે AI તે વિશ્વગુરુ બનશે’
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ AIનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ‘ભારતની મોટી વસ્તી એઆઇ વર્કફોર્સનો ભાગ છે, છતાં ભારતે આ ક્ષેત્રમાં જેટલી પ્રગતિ કરવી જોઈએ તેટલી થઈ નથી. આવનારા સમયમાં જેની પાસે એઆઇની તાકાત હશે, તે વિશ્વગુરુ બનશે. તેથી ભારતે ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે સાથે ‘મેક AI ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે આગળ વધવું પડશે. આમ આદમી પાર્ટીના સાંસદની વાત સાંભળ્યા બાદ અધ્યક્ષ જગદીપ ધનખડે પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ‘આગામી સમયમાં ભારત જ વિશ્વગુરુ બનશે.’
અમેરિકા-ચીન પાસે સ્વદેશી AI મૉડલ, ભારત પાસે પોતાનું શું છે?
તેમણે કહ્યું કે, ‘વર્તમાન સમયમાં એઆઇની ક્રાંતિનો યુગ છે અને અમેરિકા પાસે પોતાનું ChatGPT, Gemini, Anthropic Grok જેવા મૉડલ છે, જ્યારે ચીને સૌથી વધુ ક્ષમતાવાળું અને સૌથી ઓછા ખર્ચવાળું DeepSeek AI મૉડલ બનાવી લીધું છે. અમેરિકા અને ચીન પાસે પોતાના સ્વદેશી મૉડલ છે, પરંતુ ભારત પાસે શું છે? આપણી પાસે પોતાનું જનરેટિવ AI મૉડલ ક્યાં છે?
આ પણ વાંચો : લોકસભામાં મનરેગા મુદ્દે જોરદાર હોબાળો, વિપક્ષોએ કેન્દ્રના જવાબનો કર્યો વિરોધ, પ્રિયંકાએ કહ્યું, ‘શ્રમિકોનું વેતન વધારો’
AI પેટર્ન રજિસ્ટ્રેશનમાં ભારત અમેરિકા-ચીનથી પાછળ
ચઢ્ઢાએ કહ્યું કે, વિશ્વભરમાં 2010થી 2020 દરમિયાન કુલ એઆઇ પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવનારા દેશોમાં અમેરિકાનો હિસ્સો 60 ટકા અને ચીનને 20 ટકા છે. જ્યારે ભારતને માત્ર 0.5 ટકા જ સફળતા મળી છે. ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા છે. જોકે અમેરિકા અને ચીને છેલ્લા 4-5 વર્ષમાં એઆઇ પર વધુ રિસર્ચ અને રોકાણ કર્યું છે.
‘4.50 લાખ ભારતીય AI ક્ષેત્રમાં ભારત બહાર કામ કરી રહ્યા છે’
રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો કે, 15 ટકા ભારતીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્કફોર્સમાં કામ કરે છે. ભારત પાસે પ્રતિભા, મહેનતુ લોકો, બ્રેન પાવર છે અને ડિજિટલ અર્થવ્યવસ્થા છે. આપણી પાસે 90 કરોડથી વધુ ઇન્ટરનેટ ગ્રાહકો છે, છતાં આપણે વૈશ્વિક સ્તરે AI મામલે પાછળ છીએ. આપણે AI ઉત્પાદન કરવાના બદલે AI ગ્રાહક બની ગયા છીએ. લગભગ 15 ટકા એટલે કે સાડા ચાર લાખ ભારતીયો એઆઇ ક્ષેત્રમાં ભારત બહાર કામ કરી રહ્યા છે. AI ટૅક્નોલૉજીમાં વિશ્વમાં ભારત ત્રીજા સ્થાને છે.’
આ પણ વાંચો : અમને આવા જજ સ્વીકાર્ય નથી: જસ્ટિસ વર્મા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોનો વિરોધ