3 Naxalites Killed In Chhattisgarh: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ જાહેર કરાયુ હતું. સુરક્ષા કર્મીઓએ ઘટનાસ્થળ પરથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે, દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા, અને ઈકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઈટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.
નક્સલીઓ ગોળીબાર કર્યો
સુરક્ષાદળોને જોતાં જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબી ફાયરિંગમાં ત્રણ નક્સલી ઠાર થયા હતા. જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ હતું. અન્ય બે નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષાદળોએ કબજો લીધો છે.
આ પણ વાંચોઃ લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધનો સાથે કરાયુ રજૂ
100થી વધુ નક્સલી ઠાર
પોલીસ મહાનિરિક્ષક બસ્તર રેન્જના સુંદરરાજ પી.એ જણાવ્યું કે, સરકારના નિર્દેશ પર લોકોની સુરક્ષા માટે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઈટર્સ, કોબરા, સીઆરપીએફ, બીએસએફ, આઈડીબીપી અને સીએએફની સંયુક્ત ટીમે સંપૂર્ણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા 83 દિવસમાં 100થી વધુ નક્સલીને ઠાર માર્યા છે. ગત સપ્તાહે જ બે જુદા-જુદા ઓપરેશનમાં 22 નક્સલીના ઢીમ ઢાળ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો.
સરકારનું નક્સલમુક્ત અભિયાન
ગૃહમંત્રીએ અગાઉ જણાવ્યું હતું કે, દેશને 31 માર્ચ, 2026 સુધી નક્સલમુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. જેના ભાગરૂપે સુરક્ષાદળો દ્વારા મોટાપાયે સર્ચ અભિયાન હાથ ધરાયા છે. 20 માર્ચે બીજાપુર અને કાંકેરમાં 30 નક્સલીને ઠાર કર્યા હતા. આ વર્ષે અત્યારસુધી રાજ્યમાં જુદી-જુદી અથડામણમાં 116 નક્સલી માર્યા ગયા છે.