અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી અમેરિકન ડોલર સામે ૧.૨૯ ટકા નબળો પડયા બાદ, રૂપિયો વધુ ઘટવાની ધારણા છે. તેનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
એક સર્વે મુજબ જુલાઈના અંત સુધીમાં રૂપિયો ઘટીને ૮૭ પ્રતિ ડોલર થશે. પરંતુ સપ્ટેમ્બરના અંત સુધીમાં રૂપિયો ફરી એકવાર તેની સ્થિતિ મજબૂત કરશે તેવી અપેક્ષા છે.
બજાર નિષ્ણાતો કહે છે કે ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ખાસ જોખમ છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો રૂપિયા પર ફરીથી દબાણ લાવી શકે છે અને તે અન્ય એશિયન ચલણો સામે વધુ નબળો પડી શકે છે. ડોલરમાં તાજેતરમાં નબળાઈ હોવા છતાં, અન્ય ઉભરતા બજાર ચલણો સામે રૂપિયાએ સારું પ્રદર્શન કર્યું નથી.
એવી અપેક્ષા છે કે ડોલર મુખ્ય ચલણો, ખાસ કરીને યુરો અને યેન સામે નબળો પડશે. ડોલર ઉભરતા બજાર ચલણો સામે વધુ નબળો નહીં પડે. રૂપિયો હવે એશિયન ચલણો, ખાસ કરીને યુઆનની નજીક રહેશે. જો પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્ડ ૯૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર જાય છે, તો રૂપિયા પર દબાણ વધી શકે છે અને તેનો દેખાવ વધુ બગડી શકે છે.
અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે રૂપિયામાં ૮૫ થી ૮૬ રૂપિયા પ્રતિ ડોલરની રેન્જ આદર્શ છે, જે યુદ્ધની ગેરહાજરીમાં જોવી જોઈએ. પરંતુ જો યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસે છે, તો પ્રતિ ડોલર સામે રૂપિયો ૮૭ સુધી જઈ શકે છે.
તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૭૫ ડોલર પહોંચ્યા છે તે ગભરાટને કારણે છે, મૂળભૂત કારણોસર નહીં. આવી સ્થિતિમાં, સૌથી ખરાબ સ્થિતિમાં, તે ૮૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચવાની શક્યતા છે. જો કે આ સંઘર્ષ ઓછો થતાં કિંમતો જૂના સ્તરે પાછી આવશે.
ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયામાં ૧.૧૩ ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં અત્યાર સુધીમાં તેમાં ૧.૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.