image : Filephoto
Vadodara : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની સાથે સાથે આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ થઈ છે. ત્યારે ગઈકાલે અચાનક રાજપુરા ગામના કેટલાક લોકોએ વિરોધ કરી આ વિસ્તારમાંથી ડમ્પરો પસાર થવા જોઈએ નહીં તેવી માંગણી કરી પોલીસ બોલાવવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક માટી ખોદકામનું કામ અટકાવી દેતા વિવાદ સર્જાયો છે.
એક બાજુ વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ સર્જાતિ હોય છે તે ખાળવા માટે રાજ્ય સરકારે તજજ્ઞોની સમિતિ બનાવી અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાથે અન્ય તળાવ ઊંડા કરવા તેમજ દેણા ગામ ખાતે બફર લેક ઊભું કરવાની કામગીરી પણ પૂરજોશમાં શરૂ થઈ છે. ત્યારે આજવા સરોવરમાંથી માટી ખોદકામની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી પૂરજોશમાં ચાલી રહી છે લોક ભાગીદારી અંતર્ગત 11 જેટલી એજન્સીઓ દ્વારા માટી ખોદકામ થઈ રહ્યું છે. ત્યારે ગઈકાલે અચાનક રાજપુરા ગામના કેટલાક લોકોએ ત્યાંથી પસાર થતી માટી ભરેલી ટ્રકોનો વિરોધ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઈ માટી ખોદકામની કામગીરી અટકાવી દીધી હતી. જેથી લોક ભાગીદારીથી કામ કરતી 11 એજન્સીઓએ પોલીસને અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ સમજાવટ થઈ નથી જેથી આજવા સરોવર ઊંડું કરવાની કામગીરી પર બ્રેક વાગી હોવાનું જાણવા મળે છે.
આ અંગે એજન્સીઓના કેટલાક વ્યક્તિઓએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી જણાવ્યું છે કે, ગઈકાલે રાજપુરા ગામના કેટલાક અસંતુષ્ટ તત્વો દ્વારા સરકાર અને પાલિકાનાં સંયુક્ત વિશ્વામિત્રી પ્રોજેકટ અંતર્ગત પ્રતાપપુરા સરોવર ખોદકામ ચાલુ હતું. ત્યારે રાજપુરા ગામની સ્કૂલ અને R&B ના સરકારી રસ્તા પરથી ડમ્પરો જવા જોઈએ નહીં તેવી ગેરકાયદેસર ફરિયાદ કરી હોવાથી જરોદ પોલીસ સ્ટેશન દ્વારા માટી ખોદકામની કામગીરી અટકાવી હતી. તે તદ્દન ગેરકાયદેસર રાષ્ટ્રહિત જનહિત વિરુદ્ધ સરકારની કામગીરીમાં દખલ કરવી કૃત્ય ગણાય કારણ કે વડોદરામાં કારેલીબાગના VIP મેઈન રોડ પર આવેલી બ્રાઈટ સ્કૂલ આવેલી છે અને તેની આગળથી દરરોજ ST બસો અને ડમ્પરો પસાર થાય છે અને કેટલીયવાર અકસ્માત થાય છે તેમ છતાં આજદિન સુધી વાહન વ્યવહાર બંધ નથી થયો કે પોલીસ દ્વારા બંધ નથી કરાયો તો પછી આ રાજપુરા ગામનાં સરપંચ, તાલુકા પંચાયત સભ્ય કે અન્ય શિક્ષિત ગ્રામજનો દ્વારા વિરોધ ન હોવા છતાં કેટલાક અસંતુષ્ટ તત્વો દ્વારા ગઈકાલે ગેરકાયદેસર પોલીસ ફરિયાદ કરી જરોદ પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી અટકાવી છે. તેની સામે CM & HM ને ફરિયાદ કરી કાયદાકીય પગલાં લઈ તપાસ કરી અસંતુષ્ટ તત્વો સામે ફોજદારી ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક માટે ખોદકામની કામગીરી શરૂ કરાવવામાં આવે તે જરૂરી છે.