મુંબઈ : ભારતમાં એક તરફ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એમએસએમઈ) ક્ષેત્રે પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે અને ફંડિંગ પણ વધારવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચિંતા ઉપજાવનાર બાબત એ છે કે, અનેક એમએસએમઈ ચપોચપ બંધ થઈ રહ્યા છે. સૌથી વધુ એમએસએમઈ એકમો બંધ થવામાં મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે.
દેશમાં વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩૫,૫૬૭ એમએસએમઈ એકમો બંધ થવા સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૮૪૭૨ એકમો બંધ પડયા છે. કેન્દ્ર સરકારના ઉદ્યમ પોર્ટલ પર રજીસ્ટર્ડ એમએસએમઈ એકમો પૈકી નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં દેશભરમાં ૩૫૫૬૭થી વધુ એકમો બંધ પડયાનું સરકારી આંકડા દર્શાવે છે.
૧, જુલાઈ ૨૦૨૦ના શરૂ થયેલા પોર્ટલ પર દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૭૫૦૮૨થી વધુ એમએસએમઈ એકમો બંધ પડયા હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ બંધ પડેલા એમએસએમઈ એકમોમાં એકલા વર્ષ ૨૦૨૪-૨૫માં જ ૪૭ ટકાથી વધુ એકમો બંધ પડયાનું નોંધાયું છે.
જે વર્ષ ૨૦૨૩-૨૪માં બંધ પડેલા ૧૯,૮૨૮ એકમોની તુલનાએ બમણા જેટલા એકમો બંધ થયા છે. દેશભરમાં બંધ પડેલા એમએસએમઈ એકમો પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૪૭૨ એકમો બંધ પડયાનું નોંધાયું છે.
ત્યાર બાદ તમિલ નાડુમાં ૪૪૧૨, ગુજરાતમાં ૩૧૪૮, રાજસ્થાનમાં ૨૯૮૯ અને કર્ણાટકમાં ૨૦૧૦ એકમો બંધ પડયા છે. અલબત આ આંકડામાં માર્ચ મહિનાના આંકડાનો સમાવેશ નહીં થયો હોઈ આ ૨૦૨૪-૨૫ પૂર્ણ વર્ષનો એમએસએમઈ એકમો બંધ થવાનો આંક વધી શકે છે.