Land Revenue Bill Gujarat : જમીન મહેસૂલ ધારા અધિનિયમ 1879ની કલમ 65, કલમ 68, કલમ 84-સી અને કલમ 122 હેઠળની શરતોનો ભંગ કરનારા સામેની કોર્ટ કાર્યવાહી પડતી મૂકવાની રજૂઆત કરતું ગુજરાત લેન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બિલ-2025 ગુજરાત વિધાનસામાં લાવવામાં આવશે. કલમ 65 હેઠળ બિનખેતીની પરવાનગીને લગતી કોઈ શરતનો ભંગ કરવામાં આવ્યો હશે તો તે ભંગ બદલ જે તે વ્યક્તિ સામે કોર્ટકાર્યવાહી ચાલુ કરવામાં આવી હશે તો તે પડતી મૂકી દેવામાં આવશે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 79-ક હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે છે.
કલમ 43ની નવી શરતની જમીન માં શરતનો ભંગ થયો હશે અને કેસ થયો હોય તો પણ પડતો મૂકાશે
નવી શરતની અને અવિભાજ્ય શરતની જમીન તથા પ્રસપની જમીન કલેક્ટરની મંજૂરી વિના જ વેચાણ કરી હશે તો અને તેના સંદર્ભમાં કલમ 84-સી હેઠળ કાર્યવાહી ચાલતી હશે તો તે પણ પડતી મૂકવાનું આયોજન કરતી જોગવાઈ ધ ગુજરાત લેન્ડ રેવન્યુ એમેન્ડમેન્ટ બિલ 2025માં કરવામાં આવેલી છે,એમ લેન્ડ રેવન્યુ એક્ટના જાણકારોનું કહેવું છે.
આ પણ વાંચો: વાહન અકસ્માત વળતર મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, MACT ફક્ત શારીરિક અપંગતાના સર્ટી પર આધાર ન રાખી શકે
તેમનું કહેવું છે કે નવી શરતની એન.એ. ન કરાવેલી જમીન સરકારની મંજૂરી વિના જ કોઈ વ્યક્તિએ અન્ય કોઈ વ્યક્તિને વેચાણ આપી દીધી હોય તો તેવા સંજોગોમાં સરકાર તે વ્યક્તિ સામે કોર્ટ કેસ ઊભો કરે છે. લેન્ડ રેવન્યુ એક્ટની કલમ 84-સી હેઠળ તેનો ખુલાસો પણ માગે છે.
ખુલાસો બરાબર ન લાગે તો તેવા સંજોગોમાં જમીનને શ્રી સરકાર કરી લે છે. આ રીતે શ્રી સરકાર કરેલી જમીન પૈસા લઈને સરકાર બીજી કોઈ વ્યક્તિને આપી શકે તેવી જોગવાઈ પણ નવા સૂચિત લેન્ડ રેવન્યુ બિલના માઘ્યમથી દાખલ કરવામાં આવી રહી છે.આ જ રીતે કલમ 43 હેઠળની નવી શરતની જમીન એન.એ કરાવ્યા વિના જ આપીદેવામાં આવી હશે અને તેને લગતી કોઈ શરતનો ભંગ કરવામાં આવ્યો હશે તો તેવા સંજોગમાં કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી હશે તો તે પણ પડતી મૂકી શકાશે.