મુંબઈ : સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય ઈક્વિટીસમાં નેટ રૂપિયા ૧૩૧૦૭.૫૪ કરોડ ઠાલવ્યા હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.
જંગી ઈન્ફલોસને જોતા ભારતીય બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યાનું કહી શકાય એમ છે. સંપૂર્ણ જૂન મહિનામાં એફપીઆઈનું કુલ નેટ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા ૮૯૧૫ કરોડ રહ્યું છે.
વૈશ્વિક ભૌગોલિકરાજકીય તાણમાં ઘટાડો તથા ભારતની સાનુકૂળ આર્થિક સ્થિતિ વિદેશી રોકાણકારોને આકર્ષી રહી છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
દેશના અર્થતંત્રને વધુ ગતિ આપવા રિઝર્વ બેન્કે વર્તમાન મહિનાના પ્રારંભમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ઘરઆંગણે ફુગાવો નબળો પડી રહ્યો છે. વૈશ્વિક સ્થિરતા, નીતિવિષયક ટેકા અને મજબૂત બૃહદઆર્થિક ઈન્ડીકેટર્સે વિદેશી રોકાણકારો માટે ભારતને પસંદગીનું મથક બનાવ્યું છે.