અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતાં દસને ઇજા
પાટણના નવા અમીરપરા ગામનો પરિવાર ચોટીલા દર્શને જઈ રહ્યાં હતો : આઇશર ચાલક સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: દસાડા તાલુકાના ખેરવા-ઝેઝરી રોડ પર આયશર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી જતા રીક્ષામાં સવાર મહિલા સહિતનાઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જે અંગે ભોગ બનનારે આયશરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધ તપાસ હાથધરી છે.
પાટણના નવા અમીરપરા ગામે રહેતા ફરિયાદી પાર્વતીબેન ભીખાભાઈ ઠાકોર અને પરિવારના બાળકો, મહિલાઓ, પુરૂષો સહિત કુલ ૧૦ વ્યક્તિઓ રિક્ષા ભાડે કરી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યાં હતા. તે દરમ્યાન ખેરવા ગામથી ઝેઝરી તરફ જતા રસ્તા પર સામેથી પુરઝડપે આવતી આઈશરના ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષા રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. જેમાં રિક્ષામાં સવાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે ફરિયાદીના દિયર જયંતિભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યંુ હતું. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ આઇસરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.