GST Record Collection: GST લાગુ થયા પછીથી સરકારી તિજોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2025માં સરકારે રૅકોર્ડ બ્રેક GST કલેક્શન કર્યું હતું. આ સાથે સરકારની તિજોરીમાં ટેક્સ મારફત થતી કમાણી પાંચ વર્ષમાં બમણાથી વધી છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારનું જીએસટી કલેક્શન બમણાથી વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી વર્ષોમાં જીએસટી કલેક્શનમાં વધુ વધારો જોવા મળી શકે છે.
દરમહિને રૂ. 2 લાખ કરોડ થશે જીએસટી કલેક્શન
કુલ જીએસટી કલેક્શન પાંચ વર્ષમાં બમણું થઈ નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના રૅકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. જે નાણાકીય વર્ષ 2020-21માં 11.37 લાખ કરોડ રૂપિયા હતું. 2024-25માં જીએસટી કલેક્શન અગાઉના વર્ષની તુલનાએ 9.4 ટકા વધ્યું હતું. આ કલેક્શન પાંચ વર્ષમાં વાર્ષિક ધોરણે લગભગ બમણું થયું હતું. નાણાકીય વર્ષ 2024-25માં માસિક ધોરણે સરેરાશ રૂ. 1.84 લાખ કરોડનું જીએસટી કલેક્શન નોંધાયુ હતું. જે 2023-24માં રૂ. 1.68 લાખ કરોડ અને 2021-22માં રૂ. 1.51 લાખ કરોડ હતું. નિષ્ણાતોના મતે, આગામી વર્ષોમાં માસિક ધોરણે સરેરાશ રૂ. 2 લાખ કરોડ જીએસટી કલેક્શન નોંધાવાની શક્યતા છે.
કરદાતાઓની સંખ્યા બમણાથી વધી
જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ હતી. જે આઠ વર્ષમાં 1.51 કરોડથી વધી છે. છેલ્લા આઠ વર્ષના કરદાતાઓની સંખ્યા પર નજર કરીએ તો જીએસટીના અમલીકરણ બાદ કરદાતાઓની સંખ્યા સતત વધી છે. સાથે સાથે જીએસટી કલેક્શન પણ વધ્યું છે. પરોક્ષ કરવેરા પ્રણાલી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની છે. 2024-25માં જીએસટી કલેક્શન અત્યારસુધીનું સૌથી વધુ રૂ. 22.08 લાખ કરોડ નોંધાયું છે. જે વાર્ષિક ધોરણે 9.4 ટકા વધ્યું છે.