મુંબઈ : ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
સદર વેપાર કરારથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થશે એવો રિપોર્ટમાં દાવો કરાયો છે. ભારતની કુલ નિકાસમાંથી ૧૯ ટકાથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે.
નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિને પરિણામે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૦.૬૦ ટકા વધારો થવા સંભવ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્ર સહિત દેશની એકંદર નિકાસમાં ૬૪ ટકા વધારો જોવા મળશે.
નિકાસમાં મોટાભાગનો લાભ ટેકસટાઈલ, ફર્નિચર, રમકડાં તથા અન્ય કન્ઝયૂમર ગુડસની નિકાસમાં જોવા મળશે. ટેરિફ લાગુ થવાની ૯ જુલાઈની ડેડલાઈન પહેલા ભારત તથા અમેરિકા વેપાર કરાર કરી લેવા ઉતાવળ કરી રહ્યા છે.
ટ્રમ્પનું વહીવટીતંત્ર ચીન તથા વિયેતનામ પર ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે ભારત પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવાની જોગવાઈ ધરાવતા સૂચિત વેપાર કરારથી ભારતને તેના વેપારમાં વધારો કરવાની તક મળી રહેશે. ૯ જુલાઈ પહેલા જો વેપાર કરાર નહીં થાય તો ભારત પર ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ થઈ જશે જેને પરિણામે અમેરિકા ખાતેની નિકાસમાં ૩૫ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે અને દેશના જીડીપીમાં પણ ૦.૭૦ ટકા જેટલો ઘટાડો થશે તેવી પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે.
અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફમાંથી બચવા વેપાર કરાર કરવાની પહેલ કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
૨૬ ટકાના રેસિપ્રોકલ ટેરિફમાં અમેરિકા આગળ વધશે તો દેશના ટેકસટાઈલ ક્ષેત્ર માટે અમેરિકામાં નિકાસ કરવાનું પડકારરૂપ બની રહેશે એમ ઉદ્યોગના સુત્રો માની રહ્યા છે. ભારતની નિકાસમાં તથા દેશમાં રોજગાર પૂરા પાડવામાં ટેકસટાઈલ અને કપડા ઉદ્યોગનું મહત્વનું યોગદાન રહેલું છે. ભારતના એપરલ તથા હોમ ટેકસટાઈલની અમેરિકામાં નોંધપાત્ર નિકાસ થાય છે.