India Richest CM List: શું તમે જાણો છો કે દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ છે? ભારતના કયા મુખ્યમંત્રી પાસે સૌથી વધુ સંપત્તિ છે તે અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચે આ રિપોર્ટ જાહેર કર્યો છે. આમાં ભારતના તમામ 27 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓની સંપત્તિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ રિપોર્ટ પ્રમાણે આ મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે. જોકે, અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓની સંપત્તિમાં મોટું અંતર છે. રિપોર્ટ પ્રમાણે વર્તમાન 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે. તો ચાલો જાણીએ કે સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ છે અને સૌથી ઓછી સંપત્તિ કોની પાસે છે.
ચંદ્રબાબુ નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ પ્રમાણે 30માંથી બે મુખ્યમંત્રી અબજોપતિ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર છે. તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ બીજા નંબર પર છે. તેમની પાસે 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. સૌથી વધુ સંપત્તિના મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ત્રીજા નંબર પર છે. તેમની પાસે 51 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ
હવે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પહેલા નંબર પર છે. તેમની પાસે 15.38 લાખ રૂપિયાથી વધુ સંપત્તિ છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બીજા નંબર પર છે, જેમની પાસે 55.24 લાખ રૂપિયાથી વધુ સંપત્તિ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પાસે 1.18 કરોડ રૂપિયાની સંપત્તિ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાસે 1.46 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
યુપીના CM યોગી આદિત્યનાથ પાસે કેટલી સંપત્તિ છે?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે કુલ 1.54 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સીએમ યોગી કરતા થોડા આગળ છે. નીતિશ કુમાર પાસે 1.64 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે 1.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પાસે 1.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ પાસે 3.80 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આ પણ વાંચો: ‘ભારત અંતરિક્ષમાં પોતાનું સ્ટેશન બનાવશે..’ સ્પેસના ડેના અવસરે પીએમ મોદીનું મોટું નિવેદન
ADRએ જાહેર કર્યો રિપોર્ટ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) સંસ્થા દ્વારા આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ADRએ તમામ 30 મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી લડતા પહેલા આપવામાં આવેલા સોગંદનામાની તપાસ કર્યા પછી આ રિપોર્ટ જાહેર કર્યો છે. મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે, તેથી ત્યાંના મુખ્યમંત્રીને આ વિશ્લેષણમાં સામેલ કરવામાં નથી આવ્યા.