મુંબઈ : વિવિધ દેશો પર અમેરિકાએ ટેરિફના દર જાહેર કરવાનું શરૂ કર્યા બાદ ટ્રેડરો સ્થિતિનો અંદાજ મેળવી રહ્યા હોય તેની અસર વૈશ્વિક સોનાચાંદી પર જોવા મળી હતી. અમેરિકાએ તેના કેટલાક વેપાર ભાગીદાર દેશો સાથે વેપાર કરારની મુદત લંબાવી છે જ્યારે કેટલાક દેશો પર ઊંચી ટેરિફ જાહેર કરી દીધી છે જેને લઈને સોનાચાંદીમાં હાલમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે.
ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ સુધારો જોવા મળ્યો . ક્રુડ તેલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
ટ્રમ્પના ટેરિફને કારણે વિવિધ બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે કારણ કે ટેરિફને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર નેગેટિવ અસર પડવાનું જોખમ ઊભું થયું છે જેને કારણે ઓઈલની માગ ઘટવાની ધારણાં મુકાઈ રહી છે.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા રૂપિયા ૯૬૯૭૨ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૬૫૮૪ બંધ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૭૫૦૦ મુકાતા હતા.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૦૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૯૯૭૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦૬૦૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૩૩૪૫.૮૬ ડોલર અને નીચામાં ૩૩૧૯.૦૮ ડોલર થઈ મોડી સાંજે ૩૩૨૪ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૩૬.૮૭ ડોલર અને નીચામાં ૩૬.૫૪ ડોલર થઈ છેવટે ૩૬.૬૬ ડોલર કવોટ થતી હતી.
ટેરિફ વોરને લઈને માગ ઘટવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ રહી હતી. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૭.૭૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ બેરલ દીઠ ૬૯.૪૪ ડોલર મુકાતુ હતું.