મુંબઈ : કોપરની આયાત પર ૫૦ ટકા ડયૂટી લાગુ કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતની ભારત પર કોઈ મોટી અસર નહીં પડવાનો મત વ્યકત કરવામાં આઆવી રહ્યો છે. અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ બહુ ઓછી માત્રામાં થતી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
દેશની સૌથી મોટી કોપર ઉત્પાદક કંપની અમેરિકા ખાતે તાંબાની નિકાસ કરતી નથી. ઘરઆંગણે જ કોપરની પૂરતી માગ હોવાથી અમારે નિકાસ કરવાની ખાસ આવશ્યકતા રહેતી નથી એમ સદર કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ આંક ઘણો જ સામાન્ય રહ્યો છે. ૨૦૨૪માં ૧૩૦૦૩ ટન અને ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ૩૫૫૪ ટનની અમેરિકા ખાતે નિકાસ થઈ હતી. કોપરનો ઉપયોગ મોટેભાગે વાયર, વીજ મોટર્સ, કેબલ્સ, વાસણ તથા પાવર ટ્રાન્સફોર્મર્સ બનાવવામાં થાય છે.
ઘરઆંગણે વીજ વાહનો તથા રિન્યુએબલ ઊર્જા પર સરકાર ખાસ ભાર આપી રહી હોવાને કારણે પણ કોપરની માગ છેલ્લા કેટલાક વખતથી મજબૂત જોવા મળી રહી છે. એક અંદાજ પ્રમાણે ઘરઆંગણે તાંબાનો વાર્ષિક વપરાશ વીસ લાખ ટન જેટલો છે. ઊંચી માગને કારણે ઘરઆંગણે જ કોપરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ભારતે ૧૧ અબજ ડોલરના તાંબાની આયાત કરવી પડી હતી. ૨૦૩૦ સુધીંમાં દેશમાં કપાસની આવશ્યકતા હાલના સ્તરેથી વધી બમણી રહેવા ધારણાં છે.
અમેરિકા દ્વારા કોપર પર ૫૦ ટકા ડયૂટી લાગુ કરાતા અમેરિકાના સ્થાનિક વપરાશકારો માટે સ્થિતિ કઠીન બની રહેશે કારણ કે અમેરિકાની તેની આવશ્યકતાના ૫૦ ટકા તાંબુ આયાત કરે છે. અમેરિકાના વપરાશકારો મુખ્યત્વે ચીન, પેરુ તથા કેનેડા ખાતેથી તાંબાની આયાત કરે છે.
ભારતના કોપર પ્રોડકટસની નિકાસમાં અમેરિકા ત્રીજુ મોટું મથક છે જ્યારે પ્રથમ બેમાં સાઉદી અરેબિયા તથા ચીનનો ક્રમ રહે છે.
દરમિયાન ૫૦ ટકા ટેરીફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયની શું અસર પડી શકશે તેની ભારત સરકાર હાલમાં સમીક્ષા કરી રહી છે એમ કોલસા તથા ખાણ ખાતાના પ્રધાન જી. કિસન રેડ્ડીએ જણાવ્યું હતું.