મુંબઈ : વર્તમાન વર્ષના જૂનમાં દેશમાં ૨૫ લાખ નવા ડીમેટ ખાતા ખોલાવાયા છે જે જાન્યુઆરીથી અત્યારસુધીમાં સૌથી મોટો ઉમેરો છે. ૨૫ લાખ નવા ડીમેટ ખાતા સાથે ડીમેટ ખાતાની એકંદર સંખ્યા વધી ૨૦ કરોડની નજીક પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. જૂનમાં શેરબજારમાં ફરી આવેલી રેલીને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
જૂન ૨૦૨૪માં કુલ ૪૫ લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૪માં આ આંક ૪૮ લાખ રહ્યો હતો પરંતુ ત્યારબાદ વૈશ્વિક ભૌગોલિકરાજકીય તણાવને લઈને ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં સ્થિતિ ડામાડોળ થતા રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનો વિશ્વાસ કથળી ગયો હતો જેને પરિણામે નવા ડીમેટ ખાતામાં ઉમેરો મંદ પડયો હતો.
જૂન ૨૦૨૪માં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૧૬.૨૦ કરોડ હતી જે વર્તમાન વર્ષના જૂનના અંતે વધી ૧૯.૯૦ કરોડ પર પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
માર્ચ-એપ્રિલની સરખામણીએ જૂનમાં શેરબજારોની મજબૂત કામગીરીને પગલે રોકાણકારો ફરી બજારમાં રસ લેવા લાગ્યા છે.
માર્ચમાં શૂન્ય અને એપ્રિલમાં એક લિસ્ટિંગ બાદ જૂનમાં આઠ જેટલી કંપનીઓએ બજારમાંથી રૂપિયા ૧૭૫૦૦ કરોડથી વધુ રકમ ઊભી કરી હતી.
વિશ્વના અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારતના અર્થતંત્રની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે.
પ્રાયમરી બજારના વેગને કારણે નવા રોકાણકારોમાં વધારો થયો છે. માર્ચમાં શૂન્ય લિસ્ટિંગ અને એપ્રિલમાં ફક્ત એક લિસ્ટિંગ પછી, જૂનમાં આઠ કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. ૧૭,૬૮૯ કરોડ એકત્ર કર્યા હતા.