– ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 33.62 ટકા વધુ વરસાદ
– સિહોર, ઉમરાળા અને વલ્લભીપુરમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ
ભાવનગર : ભાવનગર જિલ્લામાં ઓણ સાલ નૈઋત્ય ચોમાસાનો આરંભ ધમાકેદાર રહ્યો છે. છેલ્લા સવા માસમાં જ જિલ્લામાં સરેરાશ ૭૮.૪૮ ટકા મેઘમહેર થઈ ચુકી છે. જે ગત વર્ષની સરખામણીએ ૩૩.૬૨ ટકા વધુ છે.
ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ૨૧મી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૪૪.૮૬ ટકા વરસાદ હતો. તેની સામે આ વર્ષે ૨૧મી જુલાઈને સોમવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં સિઝનનો કુલ ૭૮.૪૮ ટકા સરેરાશ વરસાદ ખાબકી ચુક્યો છે. ૧૫મી જૂનથી ૨૧મી જુલાઈ સુધીમાં સિહોરમાં સૌથી વધુ ૧૧૯.૨૨ ટકા મેઘમહેર વરસી છે. ઉમરાળામાં ૧૧૪.૦૨ અને વલ્લભીપુરમાં ૧૦૦.૧૫ ટકા વરસાદ થયો છે.
ગત વર્ષે સૌથ્ વધુ ગારિયાધારમાં ૭૫.૨૮ ટકા (૩૪૧ મિ.મી.) અને સૌથી ઓછો ભાવનગરમાં ૨૦૪ મિ.મી. (૨૭ ટકા) વરસાદ થયો હતો. ગારિયાધાર અને મહુવાને બાદ કરતા બાકીના આઠ તાલુકામાં સિઝનનો ૫૦ ટકાથી ઓછો વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ઘોઘા અને તળાજામાં જ ૫૦ ટકાથી નીચે વરસાદ થયો છે.