– અનિયમિત અને અપૂરતા પાણી વિતરણ વચ્ચે
– મહાનગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં રોષ : સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવાની માંગ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપાની હદમાં વોર્ડ નં.૨મા પાણીનો વેડફાટ થતાં રહિશોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોને નિયમિત અને પુરતુ પાણી નથી મળતું ત્યારે તંત્રની બેદરકારીને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર મનપાની હદમાં આવેલા વોર્ડ નં.૨ માં વાઘેશ્વરી સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી નિયમીત અને અપૂર્તુ પાણી આપવામાં આવતા સ્થાનિક રહિશો સહિતનાઓએ મનપા તંત્રને રજૂઆત કરી હતી.
બીજી બાજુ આ જ વિસ્તારમાં મનપા તંત્રની બેરદકારીના કારણે આ વિસ્તારમાં પાણી પુરૂ પાડતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો જણાઈ આવ્યો હતો. જે મામલે શહેરના જાગૃત નાગરિક અને સામાજીક કાર્યકર કમલેશ કોટેચા દ્વારા સ્થળ પરથી વીડિયો બનાવી સોશિલ મીડિયામાં વાઇરલ કરી તંત્રને સમસ્યાથી વાકેફ કરી ઉકેલ લાવવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મનપા તંત્રની હદમાં આવેલ અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ચુકી છે ત્યારે પાણીની સમસ્યા વચ્ચે તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.