Nal Se Jal Yojana: પછાત-આદિવાસી વિસ્તારોમાં ગરીબોને રોજગારી મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરી મંત્રી બચુ ખાબડના પુત્રોએ લાખો કરોડો સેરવી લીધાં છે. આ કૌભાંડની શાહી સૂકાઇ નથી ત્યાં હવે નલ સે જલ કૌભાંડનુ ભૂત ધુણ્યું છે. હજારો-લાખો ઘર સુધી નળ તો લગાડી દેવાયાં છે, પરંતુ પીવાનુ પાણી પહોંચી શક્યું નથી. ટૂંકમાં ભાજપના રાજમાં સરકારી યોજનાઓ હવે કમાણીનું સાધન બની રહી છે. મળતિયા કોન્ટ્રાકટરો-ભ્રષ્ટ અધિકારીઓએ આખાય કૌભાંડમાં મલાઈ તારી લીધી છે. હવે જળશક્તિ મંત્રાલયે ગુજરાતની ગ્રાન્ટ અટકાવવા ડ્રામા રચ્યો છે.
નલ સે જલ યોજનામાં ગુજરાતે 100 ટકા સિદ્ધિ મેળવી હોવાનો દાવો
એક તરફ ગુજરાત સરકાર જ નલ સે જલનો ધુમ પ્રચાર કરી રહી છે. એટલું જ નહીં વેબસાઈટ પર સાત્તાવાર રીતે એવુ દર્શાવવામાં આવી રહ્યુ છે કે, ગુજરાતના તમામ ઘર સુધી નળમાં પીવાનું પાણી પહોંચ્યું છે. નલ સે જલ યોજનામાં ગુજરાતે 100 ટકા સિદ્ધિ મેળવી છે અને 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોંચ્યું છે, પરંતુ હકીકત કઈંક અલગ છે. ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પાટીલે કબુલ્યુ છે કે, ‘નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે.’
આ પણ વાંચો: ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં
વિધાનસભામાં પણ આ મુદ્દે વિપક્ષોએ સરકારને ઘેરી હતી. એવી રજૂઆતો થઈ છે કે, આદિવાસી વિસ્તારોમાં માત્ર નળ લગાવી દેવાયા છે, પરંતુ પાણીના પાઈપ લાઇન તો નંખાઈ જ નથી. માત્રને માત્ર નળનો દેખાડો કરાયો છે. આજે પણ લોકોને દુર-દુર સુધી જઈને પીવાનુ પાણી મેળવવું પડે છે, પરંતુ આ બધુય કોરાણે મૂકીને સરકાર નલ સે જલમાં 100 ટકા સિદ્ધિ હાંસલ કરી હોવાનો દાવો કરી રહી છે. સવાલ એ છે કે,કૌભાંડ આચરાયુ હોવા છતાંય સરકારે શું જોઈને પ્રચાર કયો. હજુ સુધી ગુજરાત સરકારે કેમ આ કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી નથી. એ શંકા ઉપજાવે તેમ છે.
હવે જ્યારે ગુજરાતમાં નલ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તે વાત સાબિત થઇ છે. ત્યારે ખુદ મંત્રી સી.આર.પાટીલે જ ગુજરાતની ગ્રાન્ટ અટકાવી દીધી છે અને રીતસરનો ડ્રામા રચ્યો છે. હવે કેન્દ્રની એક ટીમ પણ આ કૌભાંડની તપાસ માટે ગુજરાત આવે તેમ છે. ત્યારે વિપક્ષની માંગ છે કે, સમગ્ર કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસ થવી જોઇએ.