Gurgaon Heavy Rain Incidents: દેશના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ આ અનરાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિએ તબાહી પણ મચાવી છે. જનજીવન ખોરવાયું છે. તેમાં પણ વહીવટીતંત્રની બેદરકારીના કારણે પ્રજાજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ તેનું એક તાજું ઉદાહરણ જોવા મળ્યું છે.
ગુરૂગ્રામમાં ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં રસ્તામાં ખુલ્લી ગટરો અને જીવંત વીજ વાયરના કારણે બે પરિવારે પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે.
ખુલ્લી ગટરમાં પડી જતાં મોત
શૈલેન્દ્ર નામના યુવકની ગર્ભવતી પત્ની રાતભર ઘરની બહાર પતિની રાહ જોતી ઉભી હતી. તેણે છેલ્લે રાત્રે 8.19 વાગ્યે પતિ સાથે વાત કરી હતી.
પતિએ કહ્યું હતું કે, તે મુસાફરને ઉતારી ઘરે પરત ફરશે. નવ વાગ્યા સુધીમાં પણ શેલેન્દ્ર ઘરે ન આવતાં ફરી ફોન કર્યો હતો. પરંતુ તેણે ફોનનો જવાબ આપ્યો નહીં. પત્ની સુમનલતાએ જણાવ્યું કે, તે મોટાભાગે રાત્રે 10 વાગ્યે ઘરે આવી જાય છે. પરંતુ તે રાત્રે આવ્યા નહીં. મેં 200 જેટલા ફોન કર્યા પણ તેઓ આવ્યા નહીં. ઘણુ મોડું થઈ જતાં મેં મોડી રાત્રે ત્રણ વાગ્યે અમારા મકાન માલિકને આ અંગે જણાવ્યું. તેમણે પોલીસની મદદ લીધી. બીજા દિવસે સવારે સાત વાગ્યે પોલીસે સેક્ટર 47માં આવેલી ખુલ્લી ગટરમાં શેલેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ કરી. 27 વર્ષીય ઓટો રિક્ષા ડ્રાઈવર શૈલેન્દ્ર વરસાદના કારણે ચારેકોર પાણી ભરાતાં ખુલ્લી ગટરમાં પડી ગયો હતો.
VIDEO: ‘સર, મેં ચોરી નથી કરી’, પરીક્ષા દરમિયાન IAS ઓફિસરે વિદ્યાર્થીને એક બાદ એક લાફા ઝીંક્યા
25 વર્ષીય ગ્રાફિક ડિઝાઈનરનું પણ કરંટ લાગતાં મોત
શૈલેન્દ્રના ઘરથી થોડા કિલોમીટર દૂર રહેતાં 25 વર્ષીય ગ્રાફિક ડિઝાઈનરનો પણ આ વરસાદે જીવ લીધો હતો. તેને કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સેક્ટર 49માં રહેતો અક્ષત જૈન જીમથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે ઘસોલા ગામમાં ચારેકોર પાણી ભરાતાં તે મહા મુસીબતે બાઈક ચલાવી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક પાણીમાં લાઈવ વાયરમાં તેનો પગ અડી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જેવો જ તેનો પગ વાયરમાં ફસાયો તે તુરંત નીચે પડી ગયો અને કરંટ લાગતાં જ મૃત્યુ પામ્યો હતો.
આ બંને દુર્ઘટના વહીવટીતંત્રની બેદરકારીનું પ્રમાણ છે. બંનેના પરિવારજનોએ વહીવટીતંત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અક્ષતના મામલામાં પોલીસે જણાવ્યું હતું કે, અમે સંબંધિત વિભાગને શો-કોઝ નોટિસ પાઠવી વધુ તપાસ હાથ ધરી છે.