વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા
ઉજ્જવલ નિકમ મુંબઈ આતંકી હુમલાના સરકારી વકીલ, હર્ષ શ્રૂંગલા પૂર્વ રાજદૂત, મીનાક્ષી જૈન ઈતિહાસકાર, સદાનંદ માસ્ટર ભાજપ નેતા
નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૂંગલા, ૨૬-૧૧ના મુંબઈ આતંકી હુમલા કેસના સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, કેરળ ભાજપ નેતા સી. સદાનંદ માસ્ટર અને દિલ્હી સ્થિત ઈતિહાસકાર અને શિક્ષણવિદ્ મીનાક્ષી જૈનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારેય હસ્તીઓને સાંસદ તરીકે નોમિનેટ થવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રની ૧૨ હસ્તીઓને રાજ્યસભામાં નોમિનેટ કરી શકે છે. હાલ રાજ્યસભામાં આ કેટેગરીમાં ચાર બેઠકો ખાલી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મૂએ ચાર લોકોને નોમિનેટ કર્યા છે. ઉજ્જવલ નિકમ જાણિતા વકીલ છે. તેમણે મુંબઈ આતંકી હુમલા કેસમાં સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું હતું અને આતંકી કસાબને ફાંસી અપાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપે તેમને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. સરકારે હવે તેમને રાજ્યસભામાં મોકલ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, પોતાના કાયદાકીય જીવનમાં તેમણે હંમેશા બંધારણીય મૂલ્યોને મજબૂત કરવા અને સામાન્ય નાગરિકો સાથે સન્માનપૂર્વક વ્યવહાર સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.
હર્ષ શ્રૂંગલાએ અમેરિકા અને થાઈલેન્ડમાં ભારતના રાજદૂત તેમજ બાંગ્લાદેશમાં હાઈ કમિશનર તરીકે સેવાઓ આપી હતી. વર્ષ ૧૯૮૪ બેચના આઈએફએસ અધિકારી શ્રૂંગલાએ વર્ષ ૨૦૨૩માં ભારતે જી-૨૦માં પ્રમુખપદ સંભાળ્યું હતું ત્યારે મુખ્ય સંકલનકાર તરીકે પણ સેવા આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, હર્ષવર્ધન શ્રૂંગલાએ ભારતીય વિદેશ નીતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ડૉ. મીનાક્ષી જૈને દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપી છે. તેમણે ભારતીય ઈતિહાસ, દેશની સભ્યતા અને બ્રિટિશ શાસન દરમિયાન સ્વદેશી શિક્ષણ તથા ભાષાઓ અંગે અનેક પુસ્તકો લખ્યા છે. ભારતીય વિચારધારા ધરાવતા ઈતિહાસકાર તરીકે ડૉ. મીનાક્ષી જૈનનું નામ સન્માનિત છે. તેમને વિશેષરૂપે રામ અને અયોધ્યા પુસ્તક માટે ઓળખવામાં આવે છે. તેઓ પદ્મશ્રીથી પણ સન્માનિત છે. પીએમ મોદીએ કહ્યું કે, મીનાક્ષી જૈને વિદ્વાન, સંશોધક અને ઈતિહાસકાર તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે.
ભૂતપૂર્વ શિક્ષક સી. સદાનંદ માસ્ટર કેરળમાં ભાજપ નેતા છે. તેઓ ૨૦૧૬ અને ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીમાં કન્નુર જિલ્લામાં લડયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ચારેય લોકોના નોમિનેશન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. સદાનંદ માસ્ટે અંગે પીએમ મોદીએ કહ્યું કે, તેમનું જીવન સાહસ અને અન્યાય આગે માથું નહીં નમાવવાની પ્રતિમૂર્તિ છે. કેરળમાં તેઓ અનેક અન્યાયનો સામનો કરીને પણ ડાબેરીઓ સામે લડયા છે.