– આભની અટારીએથી મેઘરાજાની સવારી આવી પહોંચી
– ભાવનગરમાં સિઝનનો 15 ઈંચ વરસાદ નોંધાયો : ઘોઘામાં સવા-ગારિયાધારમાં અર્ધો ઈંચ પાણી પડયું : વલ્લભીપુર, ઉમરાળા, પાલિતાણા, મહુવામાં ઝાપટાં
ભાવનગર : ભાવનગરમાં આભની અટારીએથી આજે બપોરે મેઘરાજાની શાનદાર સવારી આવી પહોંચી હતી અને બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ પાણી પડી ગયું હતું. ઘોઘામાં સવા અને ગારિયાધારમાં અર્ધો ઈંચ પાણી પડયાના અહેવાલ સાંપડયા હતા.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં વલ્લભીપુરમાં ૨ મિ.મી., મહુવામાં ૫ મિ.મી., વરસાદ નોંધાયો હતો. ભાવનગરમાં આજે વરસેલા ૩૬ મિ.મી. વરસાદના પગલે સિઝનનો કુલ વરસાદ ૩૯૧ મિ.મી. પર પહોંચ્યો હતો. આજે બપોરે ૨ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા દરમિયાન વલ્લભીપુર અને ઉમરાળામાં ૨-૨ મિ.મી., ઘોઘામાં ૩૧ મિ.મી., ગારિયાધારમાં ૧૨ મિ.મી. અને પાલિતાણામાં ૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ગઢડામાં બે, બરવાળામાં એક, રાણપુરમાં પોણો ઈંચ વરસાદ
બોટાદ જિલ્લામાં ગઈ રાત્રીથી આજે દિવસ દરમિયાન મેઘકૃપા રહી હતી. તાલુકા મથક ગઢડા (સ્વામિના)માં ગઈરાત્રીના ૧૦થી ૧૨ વાગ્યા દરમિયાન ૨૬ મિ.મી. અને ૧૨થી ૨ વાગ્યા દરમિયાન ૨૨ મિ.મી. પાણી પડયું હતું. તો આજે રાણપુર અને બરવાળામાં મેઘસવારી આવી હતી. રાણપુરમાં ૧૭ મિ.મી. વરસાદ પડયો હતો તો બરવાળામાં આજે રાત્રીના ૯.૩૦ વાગ્યાના અરસામાં બરવાળામાં ગાજવીજ સાથે ૨૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. બરવાળામાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો.