– નડિયાદમાં જાહેર ઈમારતોની સ્થિતિ અંગે બેઠક
– ઓવરલૉડ વાહનો પર ત્વરિત અંકુશ લગાવી કાર્યવાહી કરવા પ્રભારી સચિવની સૂચના
નડિયાદ : ગુજરાત સરકારે ખેડા જિલ્લાને બેસ્ટ સેફ્ટી એવોર્ડ આપી સન્માનિત કર્યો છે. ત્યારે જિલ્લામાં બેફામ દોડતા ઓવરલૉડ વાહનો ચિંતાનો વિષય બનતા ગંભીર નોંધ લેવાઈ છે. ત્યારે જિલ્લા પ્રભારી સચિવે આજે નડિયાદ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ઓવરલૉડ વાહનો પર ત્વરિત અંકુશ લાવવા કડક કાર્યવાહીની સૂચના આપી છે.
જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં નડિયાદમાં જાહેર ઇમારતોની સુરક્ષા અને સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો, રસ્તાઓ, પુલો, શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને તમામ જાહેર ઇમારતોની સુરક્ષા અને સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. સાથે પાણીની ટાંકીઓ, ચેક ડેમ અને તળાવોની તપાસ કરી જરૂરિયાત મુજબ તકેદારીના પગલાં લેવાની પણ સૂચના અપાઈ હતી.
ખેડા જિલ્લામાં ચાલી રહેલી ઓવરલોડ વાહનોની ‘લાલિયાવાડી’ની રાજ્ય કેબિનેટમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી. પ્રભારી સચિવે કેબિનેટ કક્ષાએથી મળેલી સૂચનાઓથી જિલ્લાના વહીવટી તંત્રને વાકેફ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં ચાલતા ઓવરલોડ વાહનોની ગંભીરતા જોતા તેના પર તાત્કાલિક અંકુશ લગાવવો અત્યંત જરૂરી છે. પ્રભારી સચિવના આ આદેશો બાદ આગામી દિવસોમાં પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.