Supreme Court News : દેશમાં જાતિના નામે થતા રાજકારણને લઇને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ કહ્યું હતું કે આ પ્રકારનું રાજકારણ દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઇએમઆઇએમનું રાજકીય પક્ષ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કરવાની માગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જોકે સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી હતી સાથે જ જાતિના રાજકારણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કેટલાક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે અવલોકન કર્યું હતું કે એઆઇએમઆઇએમનું બંધારણ કહે છે કે આ પક્ષનો મૂળ હેતુ લઘુમતી સહિત તમામ પછાત વર્ગ માટે કામ કરવાનો છે. જેને દેશનું બંધારણ પણ છૂટ આપે છે. આ રાજકીય પક્ષ જે કામ કરવાની વાત કરે છે તે જ કામ કરવાની વાત આપણુ બંધારણ પણ કરે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજદાર વતી હાજર વકીલ વિષ્ણુ શંકર જૈનને કહ્યું હતું કે તેઓએ માત્ર એક પક્ષને લઇને જ આ અરજી કેમ કરી, અનેક એવા પક્ષો છે કે જે જાતિના નામે રાજકારણ કરે છે જે દેશ માટે ખતરનાક છે. તમે એક પારદર્શી પિટિશન દાખલ કરી શકો. જેમાં કોઇ ચોક્કસ પક્ષ નહીં પણ તમામને ધ્યાનમાં રાખીને એક સામાન્ય મુદ્દો ઉઠાવી શકાય.
બાદમાં વકીલ જૈને કહ્યું હતું કે એઆઇએમઆઇએમ કહે છે કે તે ઇસ્લામિક શિક્ષણને પ્રોત્સાહન આપશે, અને શરિયત કાયદા અંગે મુસ્લિમોને જાગૃત કરશે. વકીલની આ દલીલ પર ન્યાયાધીશ કાંતે સવાલ કર્યો હતો કે ધાર્મિક શિક્ષણ આપવું તે ખોટું ક્યા છે? દેશમાં રાજકીય પક્ષો વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરશે તો અમે વધુ ખુશ થઇશું.
જો કોઇ પક્ષ એવુ કહે કે તે અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપશે તો તે ખરેખર વાંધાજનક છે અને તેના પર પ્રતિબંધ મુકાવો જોઇએ, પરંતુ જો કોઇ ધાર્મિક કાયદાને બંધારણનું રક્ષણ મળેલુ હોય અને કોઇ પક્ષ કહે કે તે આ ધાર્મિક કાયદાને લોકો સુધી પહોંચાડવા માગે છે તો તેમાં કઇ ખોટુ નથી. બાદમાં અરજદારના વકીલે આ અરજી પરત ખેંચી લીધી હતી અને ભવિષ્યમાં વિસ્તારથી નવી અરજી દાખલ કરવાની તૈયારી દર્શાવી હતી.