– ઘરેલુ વિવાદો અને વ્યક્તિગત જાસૂસી માટે સેબી સમક્ષ RTIનો ખડકલો
અમદાવાદ : દેશમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસની સરકાર ઐતિહાસિક રાઈટ ટૂ એજ્યુકેશન – આરટીઆઈ કાયદો લાવી હતી. સામાન્ય નાગરિકો સરકારી સંસ્થાઓ પાસેથી જરૂરી માહિતી મેળવી શકે તે માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ તાજેતરના અપડેટ દર્શાવે છે કે કેટલાક લોકો હવે આ કાયદાનો ઉપયોગ વ્યક્તિગત બાબતોની જાસૂસી કરવા અને ઘરેલુ વિવાદો ઉકેલવા માટે કરી રહ્યા છે.
તાજેતરમાં કેટલાક કિસ્સાઓ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સુધી પહોંચ્યા છે, જેમાં લોકોએ આરટીઆઈ દ્વારા તેમની પત્નીઓના રોકાણ વિશે પણ માહિતી માંગી છે. સેબીના અધિકારીઓ પણ આ વિચિત્ર પ્રશ્નો વાંચીને આશ્ચર્યચકિત થયા છે.
એક પતિએ સેબીને કરેલી આરટીઆઈમાં પૂછયું કે, ‘મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે?’ અન્ય એક કિસ્સામાં, એક વ્યક્તિએ સેબી સમક્ષ સવાલ કર્યો છે કે શું તેની પત્નીનું ડિમેટ ખાતું છે? જો હા, તો તેમાં કેટલા પૈસા છે, કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું છે, કેટલું ડિવિડન્ડ અને કેપિટલ ગેઈન્સ થયો છે અને ફિક્સ્ડ ડિપોઝિટની વિગતો પણ મને આપો.
જોકે સેબીએ સામે સ્પષ્ટ જવાબ આપ્યો કે તેમની પાસે આવી કોઈ વ્યક્તિગત માહિતી નથી અને ન તો તેઓ આ માહિતી અન્ય સાથે શેર કરી શકે છે. તેમ છતાં અરજદારે આ જવાબ સામે અપીલ દાખલ કરી હતી, જેને ફરીથી ફગાવી દેવામાં આવી.
સેબીના અધિકારીઓના મતે કેટલાક લોકો દર અઠવાડિયે આરટીઆઈ ફાઇલ કરે છે – ક્યારેક કોઈ કર્મચારી સામે ફરિયાદ કરવા માટે, ક્યારેક એવા પ્રશ્નો પૂછવા માટે જેનો આરટીઆઈ સાથે કોઈ સંબંધ જ નથી. એક કિસ્સામાં, કોઈએ માર્કેટ રેગ્યુલેટરને પૂછયું કે કર્મચારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કેવી રીતે દાખલ કરવી ? મહત્વનું છે કે સેબી પાસે આ માટે એક અલગ પોર્ટલ અગાઉથી જ છે અને તેની સમજ માટે કરોડો રૂપિયાની એડવર્ટાઈઝમેન્ટો આપી પણ રહી છે.
સેબી પાસે થયેલા આરટીઆઈના ઢગલામાં બર્લરાઈસ ઈન્ડસ્ટ્રી, એથર એનર્જી, એચડીએફસી એએમસી અને ટેક મહિન્દ્રા જેવી ઘણી મોટી કંપનીઓના આઈપીઓ સંબંધિત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(એનઓસી) અંગે માહિતી માંગવામાં આવી રહી છે.
સેબીને દર મહિને લગભગ ૧૫૦થી ૩૦૦ આરટીઆઈ અરજીઓ મળે છે અને તેમાં ૬૫૦૦થી ૧૭,૦૦૦ પ્રશ્નો હોય છે. આ સાથે ૩૦૦થી ૮૦૦ અપીલો પણ દાખલ થાય છે. ઘણા લોકો સેબીના સ્કોર્સ પોર્ટલને બદલે ફરિયાદો અથવા તપાસ માટે સીધા આરટીઆઈનો ઉપયોગ કરી રહ્યાં છે.