– ડીલરો ખાતે કારની રવાનગી ઘટી 18 મહિનાના તળિયે રહી
– તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતા સપ્ટેમ્બર તથા ડિસેમ્બર ત્રિમાસિકમાં કારના વેચાણમાં રિબાઉન્ડ જોવા મળવાની અપેક્ષા
મુંબઈ : દેશમાં એકતરફ ટેસ્લાની વીજ કારના આગમન સાથે વાહન બજારમાં સ્પર્ધા વધવાના સંકેત મળી રહ્યા છે ત્યારે જૂનમાં કારના ઉત્પાદન મથકોએથી ડીલરો ખાતે કારની રવાનગી ઘટી ૧૮ મહિનાની નીચી સપાટીએ જોવા મળી છે.
શહેરી બજારોમાં મંદ માગને કારણે ડીલરોએ માલભરાવો કરવાનું ટાળ્યું હોવાનું માનવામાં આવે છે. જૂનમાં વાહન ઉત્પાદકોએ ડીલરોને ૩૧૨૮૪૯ કારની ડિલિવરી કરી હતી જે ગયા વર્ષના જૂનમાં કરાયેલી ૩૩૭૭૫૭ની સરખામણીએ ૭.૪૦ ટકા નીચી છે એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચર્સ (સિઅમ)ના ડેટા જણાવે છે.
ઊંચા પગારદારોના વેતનમાં વધારો વર્તમાન વર્ષમાં મંદ રહ્યો છે જેને કારણે શહેરી વિસ્તારના વપરાશકારો દ્વારા હાલમાં ઊંચા ખર્ચ કરવાનું ટાળવામાં આવી રહ્યું છે. કારોની હોલસેલ રવાનગીમાં ઘટાડો ઘરેલુ બજેટ પર દબાણ હોવાનું સૂચવે છે એમ સિઅમના સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં પણ કારનું હોલેસેલ વેચાણ વાર્ષિક ધોરણે ૧.૪૦ ટકા ઘટી બે વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. માર્ચ ત્રિમાસિકની સરખામણીએ આ ઘટાડો ૧૩ ટકા રહ્યો છે. બૃહદ આર્થિક અનિશ્ચિતતા અને ખરીદદારોના નબળા માનસને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં કારના વેચાણમાં ખાસ વધારો જોવા મળવાની અપેક્ષા રખાતી નથી. ડીલરો માત્ર ૧થી ૨ ટકા જ વૃદ્ધિની આશા રાખી રહ્યા છે. ચીન દ્વારા રેર અર્થના પૂરવઠાને અટકાવી દેવાતા મહત્વના ઓટો પાર્ટસની ઉપલબ્ધતા ખોરવાતી જાય છે.
જો કે આવનારી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખતા સપ્ટેમ્બર તથા ડિસેમ્બર ત્રિમાસિકમાં કારના વેચાણમાં રિબાઉન્ડ જોવા મળવાની અપેક્ષા છે.
ભારત એ વિશ્વની ત્રીજી મોટી કાર બજાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારતની બજારમાં તાજેતરના સમયમાં સેકન્ડ હેન્ડ કાર માટેના આકર્ષણમાં વધારો થયાનું તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ક્રિસિલ રેટિંગના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં યુઝડ કારનું વેચાણ નવી કારના વેચાણ કરતા બમણા કરતા વધુ ગતિએ વધી રહ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૫માં યુઝડ કારના વેચાણમાં ૮ ટકા વધારો થયો હતો અને વર્તમાન નાણાં વર્ષમાં ૮થી ૧૦ ટકા વધારો થવા અપેક્ષા છે. ૨૦૨૫માં યુઝડ કારનો વેચાણ આંક ૬૦ લાખ કારને પાર કરી જવાની ધારણાં છે.