World Largest Bird ‘Moa’ : અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલી ‘કોલોસલ બાયોસાયન્સ’ નામની જિનેટિક એન્જિનિયરિંગ કંપનીએ અપ્રિલ, 2025માં 12,500 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલી ડાયર વરુની પ્રજાતિને ફરીથી જીવંત કરવાની સફળતા મેળવી હતી. હવે એ કંપની 12 ફૂટ ઊંચા 600 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલા ન્યૂઝીલેન્ડના પક્ષી ‘મોઆ’ને સજીવન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસ પાછળ આધુનિક ડીએનએ ટેક્નોલોજી ઉપરાંત હોલિવૂડના વિખ્યાત ફિલ્મમેકર પીટર જેક્સનનું પ્રોત્સાહન કારણભૂત છે.
કેવું હતું ‘મોઆ’ પક્ષી?
ન્યૂઝીલેન્ડના જંગલોમાં વિચરતું ‘મોઆ’ વિશાળ કદનું હતું. લગભગ 600 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલું મોઆ આજ સુધીના તમામ પક્ષીઓમાં સૌથી વધુ ઊંચું પક્ષી છે. તેની ઊંચાઈ અંદાજે 12 ફૂટ જેટલી હતી અને દેખાવમાં તે ઈમુ જેવું હતું.
મોઆને જીવંત કરવા હોલિવૂડ ડિરેક્ટરનું રોકાણ
‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’, ‘હોબિટ’ અને ‘કિંગકોંગ’ જેવી અફલાતૂન હોલિવૂડ ફિલ્મોના દિગ્દર્શક પીટર જેક્સન મૂળ ન્યૂઝીલેન્ડના છે. તેથી તેમને તેમના વતનના પક્ષીને સજીવન કરવામાં વિશેષ રસ છે. તેથી આ પ્રોજેક્ટ માટે તેમણે 15 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. પીટરના વ્યક્તિગત સંગ્રહાલયમાં મોઆના લગભગ 300થી 400 હાડકાંના નમૂના છે, જે તેમની ખાનગી સંપત્તિ છે અને તેમણે કાયદેસર રીતે એકત્ર કરેલા છે.
ન્યૂઝીલેન્ડ માટે મોઆ ફક્ત પક્ષી નહીં, વારસો છે
મોઆ ફક્ત એક પક્ષી નથી, બલકે ન્યૂઝીલેન્ડના સાંસ્કૃતિક વારસાનો હિસ્સો ગણાય છે. ત્યાંની મૂળ માઓરી પ્રજાએ તેમની મૌખિક પરંપરામાં મોઆને આજે પણ જીવંત રાખ્યું છે, એટલી હદે આ પક્ષી ન્યૂઝીલેન્ડના પ્રાચીન જનજીવનનો ભાગ હતું. તેથી માઓરી સમાજ માટે મોઆને પાછું લાવવાનો અર્થ પોતાનો ઈતિહાસ જીવંત કરવા જેવો છે. પીટર જેક્સન આ જ કારણસર આ પ્રોજેક્ટ સાથે સંકળાયા છે.
મોઆને કેવી રીતે સજીવન કરાશે?
મોઆના પુરાતન અવશેષોમાંથી ડીએનએ કાઢીને એની તુલના ટીનામુ અને ઈમુ જેવા નજીકનું સગપણ ધરાવતાં જીવિત પક્ષીઓ સાથે કરાશે. ત્યારબાદ મોઆના ડીએનએની લાક્ષણિકતાને ઓળખીને CRISPR (ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઈન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રીપિટ્સ) ટેક્નોલોજીથી એના જીનોમ ટીનામુ અથવા ઈમુમાં દાખલ કરાશે.
સસ્તન પ્રજાતિને સજીવન કરવા કરતાં વધુ અઘરું કામ
સસ્તન પ્રાણીઓમાં બચ્ચાં પરબારાં માતાના ગર્ભાશયમાં ઉછરતાં હોય છે, જ્યારે કે પક્ષીઓ ઈંડા મૂકે, પછી એને સેવે ત્યારબાદ એમાંથી બચ્ચું નીકળતું હોય છે. વિલુપ્ત પ્રજાતિને સજીવન કરવામાં સસ્તનની તુલનામાં ઈંડા દ્વારા કરાતો પ્રયોગ અઘરો સાબિત થાય છે. તેથી બાળ મોઆના જન્મ માટે સરોગેટ મધર તરીકે ઈમુ અથવા ટીનામુનો ઉપયોગ કરવો સરળ નહીં હોય.
આ પણ વાંચો : ભારતના નાના ક્રીએટર્સ માટે યૂટ્યુબની નવી પહેલ: કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચે એ માટે લોન્ચ કરાયું ‘હાઇપ’ ફીચર
ટીકાકારો આ પ્રયાસને નાણાંનો ધુમાડો ગણાવે છે
કેટલાક વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો વિલુપ્ત પ્રજાતિને પુનઃજીવિત કરવાના પક્ષમાં નથી. તેમનું કહેવું છે કે આમ કરવાથી ઈકો સિસ્ટમમાં વિક્ષેપ પડશે. જ્યાં એક વાર કોઈ પ્રજાતિ નાશ પામી હોય ત્યાં તેને ફરી મુકવાથી કદાચ વધુ નુકસાન થશે. વિલુપ્ત પ્રજાતિના આગમનથી હયાત પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં આવી પડે એવું બની શકે છે. માટે આવા પ્રોજેક્ટ પાછળ નાણાંનો ધુમાડો કરવાને બદલે ધરતી પરની અન્ય સમસ્યાઓ પાછળ નાણાં ખર્ચવું વધુ સલાહભર્યું છે.
શું ખરેખર મોઆ સજીવન થશે?
કેટલાક નિષ્ણાતોના મતે, મોઆ જેવું હતું અદ્દલ એવું પક્ષી પુનઃજીવિત કરવું અશક્ય છે. આ પ્રયોગથી મોઆ જેવું દેખાતું પક્ષી સર્જી શકાશે, અસલ મોઆ નહીં. તેથી આવા પ્રયોગો કરીને પ્રકૃતિ સાથે ચેડાં ન કરવા જોઈએ. અગાઉ ડાયર વરુના કિસ્સામાં પણ જે બચ્ચા પેદાં કરાયા છે એ સો ટકા ડાયર વરુ તો નથી જ.
ડાયર વરુ પણ ‘પુનઃજીવિત’ થઈ ચૂક્યા છે
અમેરિકાના ઓહાયો અને ઈડાહો રાજ્યોમાંથી મળેલા વરુના પ્રાચીન અવશેષોમાંથી ડીએનએ કાઢીને ‘ક્લોનિંગ’ અને ‘જનીન એડિટિંગ’ ટેક્નોલોજી દ્વારા ‘ડાયર વરુ’ જેવા ત્રણ બચ્ચાં પેદા કરાયા હતા. આ માટે ગ્રે વરુના ડીએનએની પણ મદદ લેવાઈ હતી. માદા કૂતરાના અંડકોષ તથા ગર્ભાશયનો ઉપયોગ કરીને બે નર (રોમ્યુલસ અને રેમસ) અને એક માદા (ખલેસી)નો જન્મ કરાવાયો હતો. અલબત્ત, વિજ્ઞાનીઓ આ બચ્ચાંને કુદરતી પર્યાવરણમાં છોડવા તૈયાર નથી, જેથી એમના લીધે ઈકો સિસ્ટમ ખોરવાઈ જવાની સંભાવના જ ઊભી ન થાય.
આ પણ વાંચો : જેમિની AI પ્રોનો ફ્રીમાં ઉપયોગ કરવું શક્ય: જાણો કેવી રીતે એનો લાભ ઉઠાવી શકશો…