સાયબર ફ્રોડ અને ગેમીંગના નાણા જમા કરાવવા માટે 5 આરોપીઓની ધરપકડ, : 1 દિવસના રિમાન્ડ પરઃ 7 ખાતામાં કુલ રૂા. 10 કરોડ જમા થયાનો ખુલાસો
રાજકોટ, : રાજકોટના ઢેબર રોડ પરની પારેખ ચેમ્બર સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ખોટા સિક્કા, ખોટી પાર્ટનરશીપ ડીડ, પાનકાર્ડ, ઉધ્યમ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટના આધારે 7 પેઢીના નામના બોગસ ખાતા ખોલાવાયા હતા. જેમાં દેશભરમાં થયેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમીંગના રૂા. 10 કરોડ જમા થયા હતા. જેનો ખુલાસો થયા બાદ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસે 9 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે.
જેમાં બેન્ક ખાતા ખોલાવનાર મયુર હિતેન્દ્ર ખુંગલા, રોમેશ અમીરભાઈ મુખીંડા, મીત અને તેના પિતા લાલબહાદુર નરોત્તમ ગુપ્તા ઉપરાંત આ તમામને બેન્ક ખાતા ખોલાવવાનું કહેનાર મુખ્ય સૂત્રધાર પ્રવીણ પરશોતમ સંખારવાનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓને સાયબર ક્રાઈમ પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બોગસ પેઢીના નામે બેન્ક ખાતા ખોલાવનાર દરેક આરોપીને દર મહિને રૂા. 10- 10,000 આપવામાં આવતા હતા. દરેક પેઢીમાં બે ભાગીદારોના નામે બેન્ક ખાતા ખોલાવાયા હતા. જેથી આ બંને ભાગીદારોને ખાતા ખોલાવતી વખતે રૂા. 10,000 તો અપાયા જ હતા. પરંતુ તે સાથે દર મહિને પણ રૂા. 10- 10,000 અપાતા હતા. મુખ્ય સૂત્રધાર પ્રવીણે પણ પોતાના 2 ખાતા આપ્યા હતા. જેથી તેને પણ દર મહિને રૂા. 20,000 મળતા હતા. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ મુંબઈનો આશિષ છે. જો કે તેના વિશે સાયબર ક્રાઈમ પોલીસને કોઈ માહિતી મળી નથી. તેના કહેવાથી જ પ્રવીણ અને રાજેન્દ્ર નામનો શખ્સ બોગસ પેઢીના નામે ખાતા ખોલાવવાનું કામ કરતા હતા. બીજી તરફ રાજકોટની આઈસીઆઈસીઆઈ બેન્કમાં કેતન કિશોરભાઈ બોપલીયા અને જીત ભરતભાઈ કુકડીયાએ ખોલાવેલા ખાતામાં સાયબર ફ્રોડના રૂા. 3 કરોડ જમા થયાનો ખુલાસો થયા બાદ આ બંને સામે પણ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બંને આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે પુછપરછ કરતાં એક-બીજા ઉપર આરોપ નાખી તપાસનીશોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.