જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આઠ યુવાનો ભોગ બન્યા હતા : યુવાનોને અલ્બેનિયાની કંપનીનો 30 ફેબ્રુઆરીનો ઓફર લેટર આપી બેંગ્લોર મોકલ્યા પણ ત્યાંથી ટિકિટ કન્ફર્મ ન હોવાથી ડિપોર્ટ કરાયા હતા
જૂનાગઢ, : જૂનાગઢમાં વિદેશ મોકલવાના નામે ટુર એજન્સીના સંચાલકે આઠ યુવાનો પાસેથી 31.10 લાખ રૂપીયા લીધા હતા. બાદમાં અલ્બેનીયાની કંપનીનો 30 ફેબુ્રઆરીનો ઓફર લેટર આપી બેંગ્લોર મોકલ્યા હતા ત્યાં ટિકીટ કન્ફર્મ ન થતા આ યુવાનોને ડિપોર્ટ કરાયા હતા. ગત નવેમ્બર માસમાં બનેલી આ ઘટના બાદ યુવાનોને તેની રકમ પરત મળી ન હતી. આખરે આજે આ યુવાનોએ ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે ત્રણ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મધુરમ વિસ્તારમાં રહેતા અને સિવીલમાં પીએમજેએવાય વિભાગમાં નોકરી કરતા ભૂમિત રમેશભાઈ ગોહેલ (ઉ.વ. 22)ને બહારના દેશમાં કામ માટે જવું હોવાથી તેણે તેના મિત્રને વાત કરી હતી. તેના મિત્રએ મધુરમમાં એપલ વુડમાં યુવી ટુર નામની ઓફિસ આવી છે ત્યાં વિદેશ કામ માટે માણસોને મોકલે છે. આથી ભૂમિત તથા તેના પિતા આ ઓફિસે ગયા હતા ત્યાં નિહાર જાની મળ્યો હતો. તેણે ‘દુબઈ જવા કરતા યુરોપ કંટ્રીમાં જવા જેવું છે ત્યાં પગાર સારા છે’ એવી વાત કરી હતી. ભૂમિતે તેના મિત્ર જયદિપ મેવાડાને વાત કરી હતી. તા. 10-11-2024 ના ભૂમિત તથા તેના પિતા નિહાર જાનીને મળ્યા હતા. તેણે કુલ પાંચ લાખનો ખર્ચ થશે, તેમાંથી 50,000 એડવાન્સ અને બાકીના વિઝા તથા ટિકીટ આવે ત્યારે આપવાના તેવી વાત કરી હતી. વિદેશ જવા માટે ભૂમિત ગોહેલે 3 લાખ, જયદિપ હરસુખભાઈ મેવાડાએ 3.70 લાખ, નવાગઢના નીતિન કાંતિભાઈ મેવાડાએ 4.70 લાખ, સુમિત સંજયભાઈ મેવાડાએ 5 લાખ, વિશાલ માધાભાઈ મેવાડાએ 4.70 લાખ, વડાલના દિપક ચંદુભાઈ વઘેરાએ 4.40 લાખ અને દ્વારકા જીલ્લાના મીઠાપુરના મલ્હાર કાંતિભાઈ મારૂએ 2.80 લાખ અને વિજય રમેશભાઈ મારૂએ 2.80- લાખ રૂપીયા મળી કુલ તમામે 31.10 લાખ રૂપીયા ચુકવ્યા હતા. આ યુવાનોને અલ્બેનીયા મોકલવાની વાત કરી આણંદ, મુંબઈ અને ત્યાંથી બેંગ્લોર મોકલ્યા હતા. ત્યાં તેમને અલ્બેનીયામાં 30 ફેબુ્રઆરીનો ઓફર લેટર આપ્યો હતો. આ લોકો બેંગ્લોર એરપોર્ટ પર ગયા ત્યારે ત્યાં ઈમીગ્રેશન બંધ થઈ ગયું હતું આથી એરપોર્ટમાં જવા દીધા ન હતા અને ડિપોર્ટ કર્યા હતા. આ અંગે નિહાર જાનીને જાણ કરતા તેણે એક રાત રોકાવા અને આવતીકાલની ટિકીટ મોકલવા કહ્યું હતું. રોકાવવા માટે પાંચ હજાર રૂપીયા ગુગલ પે કર્યા હતા. તે દિવસે બેંગ્લોરમાં રાત રોકાયા હતા. ફરી ફોન કરતા નિહાર જાની 15 દિવસ બાદ તમારી અલ્બેનીયાની ટિકીટનું થઈ જશે, તમે ઘરે જતા રહો તેમ કહ્યું હતું. આથી આ લોકો રાજકોટ અને ત્યાંથી જૂનાગઢ આવ્યા હતા. ત્યારબાદ નિહાર જાનીએ બહાના કર્યા હતા. પૈસા પરત માંગતા બે માસમાં પૈસા આપી દઈશ તેવી વાત કરી હતી પરંતુ કોઈ પૈસા આપ્યા ન હતા. તેનો ફોન અને ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી.