અમદાવાદ,બુધવાર,16 જુલાઈ,2025
અમદાવાદના સરખેજ વોર્ડમાં આવેલા બેદર તળાવની જગ્યામાં વીસ
વર્ષથી ઈન્ડસ્ટ્રીયલ શેડ પ્રકારના બાંધકામ કરી દેવાયા હતા. વોટરબોડીની જગ્યામાં
દબાણ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણકર્તાઓને નોટિસ અપાતા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અલગ અલગ ૨૪ પિટીશન
રદ કરી કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવતા તળાવની અંદાજે ૪૫ હજાર ચોરસમીટર
જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે ચાલીસ ઈન્ડસ્ટ્રીયલ શેડ તોડી પડાશે.
કોર્પોરેશન તરફથી ચંડોળા તળાવની જગ્યામાં ઉભા કરવામા આવેલા
દબાણ દુર કરાયા હતા.જે પછી સરખેજ વોર્ડમાં આવેલા બેદર તળાવની વોટરબોડીની જગ્યામાં
ઈન્ડસ્ટ્રીયલ શેડ તથા વેરહાઉસ પ્રકારના વર્ષોથી બાંધી દેવામા આવેલા ગેરકાયદે
બાંધકામ દુર કરવા દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ અપાતા એક સાથે ૨૪
અરજદારોએ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી દાદ માંગી હતી. અરજદારો તરફથી કોર્ટ સમક્ષ
એવી રજુઆત કરાઈ હતી કે તેમની જગ્યા વોટરબોડી નહીં પરંતુ ખાનગી ટી.પી.સ્કીમમાં આવે
છે. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ વિભાગ સાથે સંકલન કરી
તળાવની જગ્યા સહીતના નકશા સાથે કોર્ટ સમક્ષ રજુઆત કરતા કોર્ટે કોર્પોરેશનની
તરફેણમાં ચુકાદો આપ્યો છે.