(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ેબુધવાર
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૬૨-ક (૩)સાથે કલમ ૯-એની જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જનારા એટલ ેકે સ્ટેમ્પ ડયૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનારને કે સરકારને સ્ટેમ્પ ડયૂટીના સંદર્ભમાં ખોટી માહિતી આપનારને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેનટ બિલ ૨૦૨૫માાં કરવામાં આવનારા દંડ હાલના રૃા. ૨૦૦થી વધારીને રૃા. ૧,૦૦,૦૦૦ (એક લાખ)કરી દેવામાં આવ્યો છે. આ રીતે કરવામાં આવનારો દંડ ઓછામાં ઓછો રૃા. ૧૦,૦૦૦ તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-કની ૧, ૨, ૩માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ રૃા. ૨૦૦થી વધારીને રૃા. ૫૦,૦૦૦ પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી રૃા. ૧૦,૦૦૦ કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સત્તા આપીને સરકાર ભ્રષ્ટાચાર માટેનો દરવાજો પણ ખોલી રહી છે. દંડની રકમ ઘટાડવા માટે સતત કરપ્શન થતું રહેવાની સંભાવના છે.
કલમ ૬૨- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે રૃ. ૫૦૦નો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને રૃા. ૫૦૦૦નો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ ૬૨-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ રૃા.૧૦૦૦નો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો રૃા. ૨૦૦૦નો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ દાખલકરવામાં આવી છે. આઘાત જનક બાબત તો એ છે કે જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ ૩૪ હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે.
મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર રૃા. ૨૦૦ના સ્ટેમ્પ ર લખી આપીને અન્ય ડયૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરીને ગુજરાતની જનતાને ખુશ કરી દેનાર ગુજરાતની વર્તમાન ભાજપ સરકારે મિલકતની નોંધણીમાં થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી રહી છે. આ જ રીતે આર્ટિકલ ૩૬માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે રૃા. ૫થી ૧૦૦૦નો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને રૃા. ૫૦૦૦નો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી દીધી છે.
૧૯૯૯ પહેલા સ્ટેમ્પ ડયૂટી લેવાતી નહોતી. હવે તે મિલકતો વેચવા જાય ત્યારે ડયૂટી વસૂલ કરવા માટે ડયૂટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની રકમ ઉપરાંત રૃા. ૨૫૦ જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો, હવે નવા સુધારા ખરડા મારફતે દાખલ કરવામાં આવી રહેલી જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની બમણી રકમ સ્ટેમ્પ ડયૂટી તરીકે જમા કરાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો તેણે રૃા. ૫૦,૦૦૦ની સ્ટેમ્પ ડયૂટી ભરવાની આવતી હોય તો તેની સામે રૃા. ૧ લાખ સ્ટેમ્પ ડયૂટી તરીકે જમા કરાવવા પડશે. આ પ્રકારના કિસ્સાાઓમાં ૨૦ કે ૨૫ વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડયૂટી ગણતરીમાં લેવામાં આવે તો તેના પર દર વર્ષે ૩ ટકાના દરે દંડ ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે કોઈપણ કિસ્સામાં ખૂટતી સ્ટેમ્પ ડયૂટીના છ ગણાથી વધુ રકમને દંડ કરી શકાશે નહિ.
(બોક્સ)
ભાડાં કરારથી અપાતી મિલકતના ખર્ચમાં વધારો થશે
ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. ૧૧ મહિના ૨૯ દિવસના ભાડાંકરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૃા. ૫૦૦નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૃા. ૧૦૦૦નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૃા.૧૦,૦૦૦નો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
સરકારે ડયૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડયૂટીની રકમ પર નહિ, પરંતુ ડયૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે. હા, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.