Delhi Riots Case : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોમાં તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી સ્વીકારી લીધી. કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા રજૂ કરાયેલી સામગ્રીના આધારે, તેમની હાજરી કર્દમ પુરી વિસ્તારમાં હતી અને એક કોગ્નિઝેબલ ગુનો મળી આવ્યો હતો જેની તપાસ કરવાની જરૂર છે.
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં 2020માં રમખાણો થયા હતા
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં કોર્ટે કપિલ મિશ્રા વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મંગળવારે આ આદેશ 2020માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. 24 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
‘કપિલ મિશ્રા રમખાણગ્રસ્ત કર્દમપુરી વિસ્તારમાં હાજર હતા’
કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી સામગ્રીના આધારે એવું બહાર આવ્યું છે કે, કપિલ મિશ્રા કર્દમપુરી વિસ્તારમાં હાજર હતા અને એક દખલપાત્ર ગુનો આચરવામાં આવ્યો છે જેની તપાસ જરૂરી છે. કપિલ મિશ્રા હાલમાં કરાવલ નગરના ધારાસભ્ય છે અને તેમને દિલ્હીની ભાજપ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. મિશ્રા કાયદા અને રોજગાર સહિત અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળી રહ્યા છે.
આ પણ વાંચો : યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
મિશ્રા ગુના સમયે વિસ્તારમાં હાજર હતા, તેથી તપાસ કરાશે
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાએ ગુનો ‘પ્રથમ દૃષ્ટિએ’ નોંધનીય ગણાવ્યો અને કહ્યું કે, વધુ તપાસની જરૂર છે. ‘એ સ્પષ્ટ છે કે કથિત ગુના સમયે તે વિસ્તારમાં હાજર હતા. વધુ તપાસ જરૂરી છે.’ યમુના વિહારના રહેવાસી મોહમ્મદ ઈલ્યાસની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. મોહમ્મદ ઈલ્યાસે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની માંગણી કરતી આ અરજી દાખલ કરી હતી.
મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નહીં : પોલીસ
દિલ્હી પોલીસે અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, કપિલ મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નહોતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, FIRમાં મિશ્રાની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, ‘ડીપીએસજી (દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ) ગ્રુપની ચેટ્સ દર્શાવે છે કે ચક્કાજામનું આયોજન 15 અને 17 ફેબ્રુઆરી, 2020ના રોજ ખૂબ જ અગાઉથી કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મિશ્રા પર દોષારોપણ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી.’
આ પણ વાંચો : મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલા કેમ ન કર્યું?: ટ્રમ્પનું ફરી મોટું નિવેદન