Surat Corporation : દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મેળવનાર સુરતમાં “દીવા તળે અંધારું” જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ શહેરને સ્વચ્છતા માટે સન્માનિત કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરમાં જ ઠેર ઠેર ગંદકીના પ્રશ્નો ઊભા થયેલા જોવા મળી રહ્યા છે. શહેરને સ્વચ્છ રાખવાની જેની જવાબદારી છે તે સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના ઉગત વિસ્તારમાં આવેલા ખૂદ એસ.એમ.સી. ના ક્વાટર્સમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને ગંદુ પાણી જાહેરમાં વહી રહ્યું હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે.
આ ક્વાટર્સમાં રહેતા લોકો છેલ્લા કેટલાક સમયથી ગંદકીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ પાલિકાના કર્મચારીઓ માત્ર સ્થળ મુલાકાત લઈને પરત ફરે છે અને કોઈ નક્કર કામગીરી કરતા નથી, જેના કારણે ગંદકી સતત વધી રહી છે. ખુલ્લી ગટર અને ગંદા પાણીના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
શહેરને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો હોવા છતાં આવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને પાલિકાની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો તાત્કાલિક આ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.