Surat : સુરત પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણ દુર કરવા સાથે ખાડીના કિનારા વાઈડીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં ખાડી કિનારા પર આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા 50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, સંખ્યાબંધ દબાણ કરનારા હોવાથી પાલિકાના સિક્યુરીટી ગાર્ડ ઉપરાંત 150 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત સાથે દબાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતમાં લાંબા સમયથી ખાડી પૂર આવતું હતું પરંતુ તંત્ર સાથે સંકલનના અભાવે ખાડી પૂર અટકતું ન હતું. પરંતુ હાલમાં સંકલન થતાં ખાડી કિનારાના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન આજે વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલા કરંજ વિસ્તારમાં ખાડી કિનારાના સંખ્યાબંધ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે, પાલિકાની કામગીરી પહેલા ખાડી કિનારે દબાણ કરનારા મિલકતદારોએ હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી જોકે, આ રિટ રદ્દબાતલ કરી દેતા પાલિકાની ટીમે ડિમોલિશનની કામગીરી શુક્રવારે શરૂ કરી હતી. આ દબાણ દુર કરવામાં આવે ત્યારે પ્રતિકાર થાય તેવી શક્યતા હોવાથી આજે વહેલી સવારથી જ વરાછા ઝોનના અધિકારીઓ ખાડી કિનારે પહોંચી ગયા હતા. આ જગ્યાએ દબાણ દુર કરવામાં વિરોધ થાય તેવી શક્યતા હોવાથી ડીસીપી, એસીપી અને પાંચ પીઆઇ સહિત 150 પોલીસ જવાનોનો કાફલો પણ ડિમોલીશન થવાનું હતું તે સ્થળે આવી ગયો હતો. ત્યારબાદ કરંજના જવાહરનગર ખાતે 50 થી વધુ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.