– બગસરાની મોટા મુંજીયાસર ગામની શાળાની ઘટનાનાં ગાંધીનગર સુધી પડઘા
– એક ટાસ્ક પુરો કરી રૂા.૧૦ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પેન્સીલની અણી કાઢવા માટે વપરાતા શાર્પનરની બ્લેડથી જાતે હાથમાં કાપા માર્યા હોવાનું બહાર આવ્યું
– શાળામાં સીસીટીવી કેમેરા બંધ; વાલીઓ પાસે કોરા કાગળ ઉપર લખાવીને શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનો વાલીઓનો આરોપ
– શાળાની ઘટના અંગે પંચાયતને જાણ કરવાની કે વિદ્યાર્થીને ધનુરના ઈંજેકશન આપવાની તસ્દી શિક્ષકોએ લીધી નથીઃ સરપંચ જયસુખભાઈ
બગસરા, અમરેલી: મોબાઈલ ફોનનો વધુ પડતો વપરાશ વિદ્યાર્થીઓ માટે નુકશાનકારક બને છે. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં મોબાઈલ ફોનમાં અપાતા ટાસ્ક માટે વિદ્યાર્થીઓએ પોતાની જાતે પેન્સીલની અણી કાઢવા માટે વપરાતા સાર્પનરની બ્લેડ કાઢીને હાથમાં કાપા માર્યા હોવાની ઘટના બહાર આવતા તેના પડઘા આજે ગાંધીનગર સુધી પડયા હતા. સમગ્ર ઘટના અંગે આજરોજ જિલ્લા વહિવટી તંત્રના આદેશ બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મોટા મુંજીયાસર ગામે વિદ્યાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર શિક્ષણ જગતમાં આજે આ ઘટના ચિંતાજનક બની રહી હતી.
બગસરા તાલુકાના મુંજીયાસર ગામે વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં કાપા મારવામાં આવ્યા હોવાની આ ઘટના પ્રકાશમાં આવતા તેના ઘેરા પડઘા ગાંધીનગર સુધી પડયા હતા. બુધવારે સવારે રાજ્યના શિક્ષણ મંત્રીએ આ બાબતે તપાસના આદેશ આપતા સમગ્ર દિવસ દરમિયાન પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા બનાવની પ્રાથમિક વિગતો મેળવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ પેન્સિલની અણી કાઢવા માટે વાપરવામાં આવતા શાર્પનરમાંથી બ્લેડ કાઢી અને પોતાની જાતે ઇજા કરેલ હોવાનું પ્રાથમિક કારણ મળેલ હતું. પણ આવું કરવા પાછળ મોબાઈલ ગેમ હોવાનું ખુલ્યુ હતું.
આ બાબતે એએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ બાળકોનું કાઉન્સિલિંગ કરવામાં આવેલ છે જેમાં બાળકોએ જાતે જ પોતાને ઇજા પહોંચાડેલ હોય કોઈ ગુનાહિત કૃત્ય થયેલ હોવાનું સાબિત થતું નથી તેમજ બાળકો દ્વારા મોબાઇલ ગેઇમ દ્વારા એક ટાસ્ક આપી એક કાપા ના ૧૦ રૂપિયા આપવામાં આવશે તેવાં ટાસ્ક ને આગળ વધારવા આ બાળકો દ્વારા આ કૃત્ય કરેલ હોઈ તેવું લાગી રહયું છે તેમ છતાં આગળ તપાસમાં કંઈ ખુલશે તો પગલાં લેવામાં આવશેનું જણાવ્યું હતું.
તપાસમાં દોડી આવેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણીના જણાવ્યા અનુસાર બાળકો કોઈ વાતમાં આવી આવું પગલું ભરેલ છે. જેના માટે વિશેષ તપાસની જરૂરિયાત જણાઈ રહી છે જેથી આગામી દિવસોમાં આ સમગ્ર ઘટના બાબતે યોગ્ય તપાસ કરી જો કોઈ દોષિત જણાશે તો પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ સમગ્ર કાંડ બાબતે મોટા મુંજીયાસર ગામના સરપંચ જયસુખભાઈ ખેતાણીને પૂછતા જણાવ્યું કે આમાં તમામ શિક્ષકોની જવાબદારી હોવી જોઈએ સ્કૂલ કેમ્પસમાં બાળકોને કાંઈ પણ થાય તો જવાબદારી શિક્ષકોની બને જે જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરી રહ્યા છે, અને વાલી મિટિંગમાં પણ વાલીઓ પાસેથી શિક્ષકોએ લખાવી લીધેલ હતું કે જો આવા કિસ્સામાંં બાળકોને કાંઈ પણ થાય તો આમાં કોઈ પણ જવાબદારી શિક્ષકોની રહેશે નહીં વધુમાં પંચાયતને પણ જાણ કરેલી નથી અને આ સમગ્ર ઘટના બની ગયા પછી પણ બાળકોને આરોગ્ય શાખામાં બતાવી ધનુરનું ઇન્જેક્શન પણ દેવામાં આવેલ ન હતું.
જ્યારે આ બાળકોના વાલી શૈલેષભાઈ સાવલિયા તેમજ રસિકભાઈ રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું કે આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકવાની વાત કરી રહ્યા છે એના ઉપર કડક કાર્યવાહી કરે તેમ જ વાલીઓને મીટીંગ દરમિયાન કોરા કાગળમાં સાઇન કરાવીને આ સમગ્ર ઘટનામાં શિક્ષકો દવારા દબાવવાની પણ કોશિશ કરી હતી,અને પોતાની જવાબદારી નથી આવતી લખાવી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરી વાલીઓ ઉપર દોષ નો ટોપલો ઢોલવા પ્રયત્ન કરેલ હતો,અને કોરા કાગળ ઉપર સાઈનો કરાવી લીધી હતી, અને ગામ લોકો દ્વારા સ્કૂલમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે જે તમામ કેમેરા હાલમાં બંધ હોવાથી કોઈપણ પ્રકારની જાણકારી કેમેરામાં કેદ થયેલ નથી.
જયારે આ બાબતે શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણા એ જણાવ્યું કે આ બાળકો એ વિડીયો ગેમના આધારે રમત રમી એક ટાસ્ક પૂરો કરવા આવું કરેલ હતું જયારે આ બાબતની જાણ અમોને થતા વાલી મિટિંગ બોલાવી હતી અને વાલીઓને જાણ કરી હતી, જયારે આ બાબતે અમોએ જિલ્લા શિક્ષણ અધિકારી કે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરેલ ના હતી કે તાલુકા પંચાયતમાં પણ અમોએ જાણ કરેલ ના હતી.
– સ્કૂલ ઉપરાંત અલગ-અલગ સ્થળોએ જઈ હાથમાં કાપા માર્યા હોવાનું ખુલ્યું
– આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોટા મુંજીયાસરમાં તપાસ
– વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગમાં મોબાઈલ ગેમ નહીં પરંતુ શરત આધારિત ગેમના કારણે બ્લેડના છરકા માર્યાનું બહાર આવ્યું
રાજકોટ: સ્કુલ ઉપરાંત અલગ-અલગ સ્થળોએ ૮ થી ૧૦ વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમની ટાસ્કને કારણે હાથમાં સાર્પનરથી કાપા માર્યા હોવાની વિગતોને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારીએ સમર્થન આપી આજે આ ઘટના અંગે મેડીકલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસ તંત્રના મતે ર૦થી રપ, જ્યારે શિક્ષણ તંત્રના મતે ૮થી ૧૦ બાળકોએ કાપા માર્યા હોવાનો દાવો
બગસરાના મોટા મુંજીયાસર ગામની શાળામાં વિદ્યાર્થીઓએ હાથમાં કાપા માર્યા હોવાની ઘટના અંગે ગાંધીનગરથી તપાસના આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. દરમિયાન આજે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમે જિલ્લા વહિવટી તંત્રને તપાસનો પ્રાથમિક રીપોર્ટ સુપ્રત કર્યો હતો.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડયાએ જણાવ્યું હતું કે આ ઘટના મોબાઈલ ગેમનાં ટાસ્કને કારણે બની છે, અલબત્ત કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળતું નથી. ૮ થી ૧૦ વિદ્યાર્થીઓએ જાતે હાથમાં કાપા લગાવ્યા છે. સ્કુલ ઉપરાંત ઘરે અને અન્ય સ્થળોએ જઈ મોબાઈલ ફોનના ટાસ્કના આધારે એક કાપાના ૧૦ રૂપિયા મળતા હોવાની લાલચે કાપા માર્યા હોવાની ઘટનાની સંપૂર્ણ તપાસ પુરી થયા બાદ સરકારને રીપોર્ટ મોકલવામાં આવશે.
અલબત્ત પોલીસ તંત્ર દ્વારા ર૦ થી રપ બાળકોએ હાથમાં કાપા માર્યા હોવાની વિગતો સામે આવી હતી. તેમજ વિદ્યાર્થીઓના કાઉન્સેલીંગ દરમિયાન મોબાઈલ ગેમનો રોલ નહીં પરંતુ આ ઘટનામાં શરત આધારીત ગેમના કારણે હાથમાં બ્લેડ મારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.